પ્રકાશ પર્વ તરીકે ઓળખાતો દિવાળીનો તહેવાર (Diwali 2021) હવે નજીકમાં જ છે, ત્યારે જૂનાગઢ નજીક આવેલા કોયલી ગામની (Koyali Village) બહેનોએ આગામી દિવાળી ગૌમય બની રહે તે માટે, ગાયના ગોબરમાંથી (Cow Dung) દીવડા બનાવી, તેના વેંચાણનું કામ હાથ ધર્યું છે. હાલ બજારમાં ચાઈનીઝ દિવડાનું વેંચાણ પણ થઈ રહ્યું છે, જેની સામે સંસ્કૃતિ અને પર્યાવરણ બંનેની જાળવણી કરતાં ગૌમય દીવડા (Gaumay Lamps)આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
જૂનાગઢની નજીક આવેલા કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડીયા અનેક વર્ષોથી ગૌ આધારિત ખેતી સાથે જોડાયેલા છે, આથી તેઓ ખેતીની સાથોસાથ ગાયના ગોબરમાંથી અવનવી જીવન ઉપયોગી વસ્તુઓ બનાવતાં રહે છે. ગત રક્ષાબંધન ઉપર તેઓએ ગોબરમાંથી રાખડી બનાવી, તેનું વેંચાણ કર્યું હતું. જે પછી ગણેશ ચતુર્થીના પર્વને અનુલક્ષીને તેઓએ ગોબરના ગણેશજીની પ્રતિમાઓ બનાવી, તેનું વેંચાણ કર્યું હતું. આગામી દિવાળીના પર્વને લઈને તેઓએ ગૌમાતાના ગોબરમાંથી દીવડા બનાવ્યાં છે.
ભાવનાબેન અને તેના સહિત બીજા પાંચ બહેનો છેલ્લાં 13 દિવસથી સતત ગૌમય દીવડા બનાવવાનું કામ કરી રહ્યાં છે. તેઓએ છેલ્લાં 5 દિવસમાં 7 હજારથી પણ વધુ દીવડાઓ બનાવ્યાં છે. આ દીવડાઓ આકર્ષક લાગે એ માટે તેને સુંદર રંગ કરવામાં આવ્યો છે, ઉપરાંત તેને આકર્ષક પેકીંગમાં પેક કરવામાં આવ્યાં છે. 6 રંગીન દીવડાનું એક બોક્સ ₹50 માં વેંચાણ કરવામાં આવે છે, જ્યારે રંગ વગરના 12 દિવડાનું વેંચાણ ₹50 માં કરવામાં આવે છે, જેના થકી મહિલાઓ હજ્જારોની કમાણી કરી આગામી દિવાળીના તહેવારો ખાસ બનાવી શકશે.
ગૌમય દિવડા અંગે ભાવનાબેન ત્રાંબડીયાએ જણાવ્યું કે, ગોબરમાંથી બનતાં દીવડા પ્રકૃતિને કોઈપણ પ્રકારનું નુકસાન કરતા નથી, ઉપરાંત આ દીવડો પ્રગટે એટલે આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. કુદરતી વસ્તુઓ બનાવતાં હોવાથી સૌ બહેનો હોંશેહોંશે આ કામગીરી કરી આત્મનિર્ભર બની રહ્યાં છે. ગોપી મંગલમ જૂથની બહેનો દ્વારા બનાવવામાં આવેલા ગૌમય દીવડાનું વેંચાણ માત્ર જૂનાગઢ જ નહીં, અમદાવાદ સહિત અનેક જગ્યાએ થાય છે, તેઓ જૂનાગઢમાં આ દિવડાનું વેંચાણ ઝાંઝરડા રોડ ઉપર આવેલ કામધેનુ ઓર્ગેનિક મોલ ખાતે કરે છે. જ્યારે બાકીના શહેરોમાં તેઓ ઓનલાઈન ઓર્ડરથી પણ વેંચાણ કરી રહ્યાં છે.