Junagadh News: આપણી ભારતીય સંસ્કૃતિમાં બતાવેલા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે સુવર્ણ પ્રાશન (Suvarn Prashan); બાળકનો જન્મ થાય એ પછી તેનું શરીર અનેકવિધ રોગો સામે રક્ષણ પૂરું પાડી શકે, તે માટે તેને રસી આપવામાં આવે છે. એવી જ રીતે, બાળકના શરીરની રોગ પ્રતિકારક શક્તિ (immunity boost) વધારવા માટે આપણાં અષ્ટદ્રષ્ટા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં એક શસ્ત્ર શોધી કાઢ્યું હતું, જે શસ્ત્ર આજે સુવર્ણ પ્રાશનના નામથી ઓળખાય છે, જેને સુવર્ણ પ્રાશન સંસ્કાર પણ કહેવાય છે.
સુવર્ણ પ્રાશન શું છે?
સુવર્ણ પ્રાશન કેવી રીતે તૈયાર કરવું, તેનો ઉલ્લેખ ચરક સંહિતામાં જોવા મળે છે. સુવર્ણ એટલે સોનુ અને પ્રાશન એટલે ચટાડવું. સોનુ એ બુદ્ધિ વધારનારી તેજસ્વી ધાતુ છે. સુવર્ણ પ્રાશનથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં તો વધારો થાય જ છે, સાથોસાથ બાળકની માનસિક અને બૌદ્ધિક ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે. સુવર્ણની ભસ્મ સાથે આયુર્વેદની ઉત્તમ ઔષધિઓ જેવીકે; બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, શતાવરી, ચિત્તક, શતપુષ્પા, દંતી, નસોત્તર, અશ્વગંધા, બલાબીજ વગેરેના મિશ્રણને મધ અને ગાયના ઘીમાં ભેળવીને નિષ્ણાંત વૈદ્યની દેખરેખ હેઠળ પુષ્યનક્ષત્રમાં બાળકોને આપવામાં આવે છે.
સુવર્ણ પ્રાશનના ટીપાં પુષ્યનક્ષત્રમાં જ શા માટે અપાય છે?
નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોય તે દિવસે સુવર્ણ પ્રાશન કરાવવામાં આવે છે. ચંદ્ર દર 27 દિવસે પુષ્યનક્ષત્રમાં આવતો હોવાથી, આ દિવસે સુવર્ણ પ્રાશન સંસ્કાર કરવામાં આવે છે. બીજા અર્થમાં પુષ્ય એટલે પુષ્ટિ; બાળકોને પુષ્ટિ કહેતાં પોષણ આપવા માટે પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશનના ટીપાં અપાય છે.
સુવર્ણ પ્રાશન કોણ કોણ લઈ શકે?
સુવર્ણ પ્રાશનના ટીપાં માત્રને માત્ર બાળકોને જ નથી આપી શકાતાં, પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ, બાળકોને સ્તનપાન કરાવતી માતાઓ, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકો પણ નિયમિતપણે વૈદની સલાહથી તેનું સેવન કરી શકે છે. કોરોના કાળમાં પણ લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુવર્ણ પ્રાશનની મદદ લેતાં થયાં છે.
આ પણ વાંચો:
આ અંગે વધુ વાત કરતાં રાજુલભાઈ ભટ્ટે જણાવ્યું કે, ગુરુ વિશ્વનાથજીની પ્રેરણાથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલ દ્વારા છેલ્લાં 50 વર્ષથી સમગ્ર ભારતમાં 800 જેટલાં કેન્દ્ર ઉપર આશરે 85 લાખ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં નિઃશુલ્ક પીવડાવવામાં આવે છે. જે કાર્ય બદલ સંસ્થાને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. છેલ્લાં 5 વર્ષથી જૂનાગઢમાં સુવર્ણ પ્રાશનના ટીપાં આપવાની શરૂઆત કરવામાં આવી, હાલમાં જૂનાગઢના જુદાજુદા કેન્દ્રો પરથી કુલ 1800 જેટલા બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર