છેલ્લા બે - ત્રણ દિવસથી જૂનાગઢના (Junagadh) મુખ્ય રસ્તાઓ પર ફૂલના પ્લાન્ટ ભરેલા ટોપલા રાખીને ફૂલ (flowers) વેંચતા પરપ્રાંતીય વેપારીઓ નજરે પડી રહ્યા છે, જેણે જૂનાગઢના લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. અનેક લોકો આ ફૂલ વેચનારાઓ પાસે જઈને આ ફૂલ વિશે માહિતી જાણી ફૂલોના પ્લાન્ટ ખરીદી રહ્યા છે.
જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ પર નજરે પડતાં ફૂલ વેંચનાર પરપ્રાંતિય વેપારીઓ તેઓના કહેવાય મુજબ તેઓ ટ્યૂલિપ (Tulip Flowers) બારમાસી ફૂલનું વેંચાણ કરી રહ્યા છે, જે ફૂલ કુંડામાં ભરેલ માટીમાં વાવતા કે પાણીમાં રાખતા બાર કે પંદર જેટલા સમયગાળામાં તેમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે. જે બારમાસી ફૂલ છે, તેને નાગપુરથી લાવીને અહીં વેંચવામાં આવી રહ્યા છે.
તેઓના કહેવા મુજબના આ ટ્યૂલિપ બારમાસી ફૂલના છોડવા પર લાગેલા લાલ, બ્લૂ, પીળો, કેસરી જેવા અનેકવિધ રંગો જૂનાગઢવાસીઓને આકર્ષી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમની પાસે ઊભીને તેના ભાવતાલ કરાવતા નજરે પડે છે. આ ફૂલ વેંચનાર પરિવારો મહારાષ્ટ્રથી આવ્યા છે અને છેલ્લા 3-4 દિવસથી આ ફૂલ છોડનું વેંચાણ કરી રહ્યા છે.
ટોપલામાં રાખેલા ફૂલછોડ સાથે તેઓ એક પ્રતિકાત્મ તસવીર પણ રાખે છે, જેણે બતાવી તેઓ એવું કહે છે કે આ પ્રમાણેના ફૂલ બાર થી પંદર દિવસમાં થશે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે, કદાચ જો તેને જમીન માફક ન આવે તો છોડ બળી જવાની સંભાવના પણ રહે છે! રોજની આવક વિષે વાત કરતાં તેઓ કહે છે કે, એક દિવસમાં 400 થી 500 રૂપિયાની કમાણી તેઓ કરી લે છે.
બીજી બાજુ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલ આ ફૂલછોડ વિશે કેટલાક જાણકાર વ્યક્તિઓ એવું કહી રહ્યા છે કે, આ જળ કુંભી (ગાંડી વેલ) નામની એક વનસ્પતિ છે. જે તળાવ કે બંધિયાર પાણીમાં વધુ જોવા મળે છે, જે પાણીનું કેન્સર પણ કહી શકાય! જેના પાન અને ફૂલ લલચાઈ જવાય એટલા રૂપાળા લાગે છે, પણ એ વાતાવરણને ગંભીર અસર કરી શકે છે.