સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં અખંડ જ્યોતની જેમ ઝળહળતી ઉજળી સંત પરંપરામાં ચાલતા સદાવ્રત, સૌરાષ્ટ્ર પંથકની એક અનોખી ઓળખ છે. ત્યારે ભવનાથ (Bhavnath) ક્ષેત્રમાં વધુ એક સદાવ્રત રૂપી કાયમી અન્નક્ષેત્રનો (Annakshetra) શુભારંભ થયો છે, જેમાં અહીં આપણે વાત કરવાના છીએ ભવનાથ ક્ષેત્રમાં ચાલતા સદગુરુ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર વિશેની..
જૂનાગઢના ભવનાથક્ષેત્રમાં સદગુરુ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર પ્રાસંગિક રીતે ચાલતું હતું, જે આજરોજ પવિત્ર શ્રાવણ માસના શુભારંભ સાથે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર થી કાયમી માટે શરૂ થયું છે. સદગુરુ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્રના કાયમી ધોરણે મંગલ પ્રારંભના આયોજ સાથે માં ભગવતીનો અન્નપૂર્ણા યાગ યજ્ઞનું પણ આયોજન થયું હતું, એટલું જ નહીં અહીં પધરાવવામાં આવેલા સ્ફટિકના શિવજી ‘ચંદ્રમૌલીશ્વર મહાદેવ’ ની પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને શિવ રુદ્રાભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્ષણે ગિરનાર ક્ષેત્રના અનેક સાધુ સંતો તથા ભાવિકોએ હાજરી આપી હતી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં શરૂ થયેલા સદગુરુ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્રમાં હવે કાયમી ધોરણે અહીં આવતા ભાવિકોને બંને ટાઈમ ભોજન મળી રહેશે, આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ શિવ રુદ્રાભિષેક કરવામાં આવશે. આગામી તા.૧૬-૧૭-૧૮ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સંગીતમય રામચંદ્ર માનસ પાઠનું આયોજન થશે.
ભવનાથ ક્ષેત્રમાં શરૂ થયેલા સદગુરુ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્રના કાયમી સદાવ્રતના શુભારંભે અનેક સંતો-મહંતોએ હાજરી આપી હતી, જેમાં મહામંડલેશ્વર શ્રી કનિરામદાસજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા, ઇન્દ્રભારતીજી મહારાજ, મુક્તાનંદ બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, મહામંડલેશ્વર શ્રી દુર્ગાદાસજી મહારાજ સહિતના અનેક સંતો તેમજ જુનાગઢ મેયર ધીરુભાઈ ગોહિલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. જે દરમિયાન યોજાયેલ સંત સભામાં સંતો અને મહાનુભાવોએ પ્રેરક ઉદ્દબોધન આપ્યું હતું.
આ તકે સદગુરુ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર ચલાવનાર મહામંડલેશ્વર શ્રી જગજીવનદાસજી મહારાજે જણાવ્યું કે, ભવનાથ ક્ષેત્રમાં પ્રસંગોચિત ચાલતું સદગુરુ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર હવે કાયમી ધોરણે ચાલવાનું છે, ત્યારે ભવનાથ કે ગિરનાર આવતા યાત્રાળુઓ આ સદાવ્રતનો અવશ્યથી લાભ લે.