Home /News /kutchh-saurastra /

દામોદર કુંડમાં હજ્જારો ભાવિકોએ કર્યું ભાઈબીજ સ્નાન, જાણો સ્નાનનું મહત્વ

દામોદર કુંડમાં હજ્જારો ભાવિકોએ કર્યું ભાઈબીજ સ્નાન, જાણો સ્નાનનું મહત્વ

Damodar

Damodar Kund

ગિરનાર ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડમાં યમુનાજી સહીત અનેક પવિત્ર નદીઓનો વાસ છે, ત્યારે અનેક ભાવિકો ભાઇબીજ સ્નાન માટે ઉમટ્યા

    કારતક સુદ બીજને યમ દ્વિતીયા અને ભાઈબીજના નામથી ઓળખાય છે, આજના પવિત્ર દિવસે જે ભાગ્યશાળી જીવાત્માઓ 'યમુના' નદીમાં સ્નાન કરે, તે સ્વર્ગના અધિકારી બને છે, તેવી ધાર્મિક માન્યતા છે. ત્યારે જે શ્રદ્ધાળુઓ ગોકુળ-મથુરા યમુના સ્નાન માટે નથી જઈ શકતાં, તે જૂનાગઢ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધે છે.

    દિવાળી મહાપર્વની હારમાળામાં આવતો ભાઈબીજનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે. આજના દિવસે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે, ત્યારે બહેન પોતાના વ્હાલા ભાઈને મનભાવતા ભોજન જમાડે છે. વિદાય વખતે ભાઈ બહેનને યથાશક્તિ બક્ષિસ આપે છે. આ સિવાય ભાઈબીજના દિવસે યમુના સ્નાનનું પણ અનેરું મહત્વ છે.

    ભાઈબીજને 'યમ દ્વિતીયા' પણ કહે છે, યમુના અને યમરાજા બંને ભાઈબહેન હતાં. યમુનાજી અનેક વખત યમરાજને જમવા બોલાવે, પણ યમરાજને તો કેટલાય કામ હોય! એક વખત યમરાજા કાર્તિક માસની સુદ બીજના દિવસે યમુનાજીના ઘરે જમવા ગયાં, ત્યારે બહેન યમુનાએ યમને ભાવથી જમાડ્યા અને વર માંગ્યું કે, જે ભાઈ પોતાની બહેનના ઘરે જમવા જાય તેનું અકાળે મૃત્યુ ન થાય એવમ આ દિવસે જે શ્રધ્ધાળુ યમુના નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે તેને મનવાંછિત ફલ પ્રાપ્ત થાય. ત્યારે યમરાજાએ પ્રસન્ન થઈને બહેનને વચન આપ્યું અને ભાઈબીજની પરંપરા શરૂ થઈ.

    જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડમાં અનેક પવિત્ર નદીઓનો વાસ છે, ત્યારે યમુનાજી પણ સદૈવ દામોદર કુંડમાં નિવાસ કરે છે. આથી જે શ્રદ્ધાળુ ગોકુળ મથુરા સુધી નથી જઈ શકતા, તે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધે છે. આ વર્ષે પણ દૂરદૂરથી આવેલા હજ્જારો ભાવિકોએ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરીને ભાઈબીજનું મહત્વ જાળવ્યું હતું, સાથોસાથ પુણ્યશાળી બન્યાં હતાં.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર