જૂનાગઢ: આપણે ત્યાં પ્રચલિત આ દુહામાં બે કુંડનું વર્ણન થયું છે, જેમાં એક દામોદર કુંડ (Damodar Kund) અને બીજો રેવતી કુંડ (Revati Kund). પૌરાણિક કાળથી અસ્તિત્વ ધરાવતાં આ બંને કુંડ ગિરનાર પર્વતમાળાની (Girnar) તળેટીમાં એક બીજાની સમીપ આવેલાં છે, ત્યારે આજે આપણે પુરાણ પ્રસિદ્ધ રેવતી કુંડ સવિશેષ વિશેનું મહત્વ (Importance) જાણીશું...
રેવતી કુંડનું નામ કઈ રીતે પડ્યું?
એક પૌરાણિક કથા અનુસાર રેવતી નામનું નક્ષત્ર તેને મળેલાં શ્રાપને લીધે ધરતી પર પડે છે, તે જ્યાં પડે છે ત્યાં મોટો ખાડો થઈ જાય છે. આ ખાડામાંથી એક કન્યા ઉત્તપન્ન થાય છે, જેનું નામ રેવતી રાખવામાં આવે છે. પ્રમુચ નામના ઋષિ આ કન્યાને પાળી-પોષીને મોટી કરે છે. કન્યા મોટી થતાં તેના ઋષિ ફરીથી આ કન્યાને આકાશમાં નક્ષત્ર તરીકે સ્થાપિત કરે છે.
બીજા જન્મમાં રેવતીનું અવતરણ કાકુદમીની નામના રાજાને ત્યાં થાય છે. બ્રહ્માજીની આજ્ઞાથી રેવતીના લગ્ન શ્રીકૃષ્ણના મોટાભાઈ અને શેષનાગના અવતાર બલરામજી સાથે થાય છે. જ્યારે બલરામજી અને રેવતીજી ગિરનારની યાત્રાએ આવ્યાં, ત્યારે ઋષિ ગર્ગના કહેવા મુજબ તેણે આ કુંડનો જિર્ણોદ્ધાર કરાવ્યો અને તેમાં 27 નક્ષત્રોનું સ્થાપન કર્યું, આથી આ કુંડનું નામ 'રેવતી કુંડ' એવું પ્રચલિત થયું.
એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે, જ્યારે રેવતી અને બલરામજીના લગ્ન થયાં, તે સમયે રેવતી કુંડએ લગ્નના યજ્ઞ કુંડની ગરજ સારી હતી. આજે પણ આ કુંડના દર્શન કરતાં, તેનો આકાર યજ્ઞ કુંડ જેવો ઉપરથી પહોળો અને નીચેથી સાંકળો જણાય છે.
રેવતી કુંડ સાથે જોડાયેલી અન્ય માન્યતાઓ:
એવું કહેવાય છે કે, જે સૌભાગ્યવતી સ્ત્રી આ રેવતી કુંડમાં સ્નાન કરીને, યથાશક્તિ દાન-પુણ્ય કરે છે તે પુત્રવાળી અને સમૃદ્ધિવાળી બને છે. રેવતી કુંડના તળિયાનો કોઈ તાગ ન હોવાને કારણે ભૂતકાળમાં અનેક વખત બનેલા આકસ્મિક બનાવોમાં અનેક લોકોએ ડૂબી જવાથી પોતાના જીવ ગુમાવ્યાં છે, ત્યારે હાલમાં રેવતી કુંડમાં સ્નાનની મનાઈ કરવામાં આવી છે. જેથી ભાવિકો રેવતી કુંડના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
આશરે 500 વર્ષ પહેલાં મહાપ્રભુજી અહીં પધાર્યા હતા, ત્યારે તેઓએ કદમના ઝાડ નીચે બેસીને ભાગવતજીનું પારાયણ કર્યું હતું. 84 બેઠકોમાંની 64મી બેઠક અહીં કરી હતી. હાલમાં રેવતી કુંડનું પવિત્ર જલ, ઠાકોરજીની જારીજી માટે ઉપયોગમાં લેવાય છે.
અહીંથી નજીકના ફરવાલાયક સ્થળો:
રેવતી કુંડની નજીકમાં જ પવિત્ર દામોદર કુંડ આવેલો છે, જ્યાં સમીપે રાધાદામોદરજીનું સુંદર મંદિર આવેલું છે. અહીથી અંદાજિત ૨ કિલોમીટરના અંતરે આવેલ ભવનાથ તળેટીમાં અનેક દર્શનીય સ્થાનકો તેમજ ગિરનાર રોપ-વેનું લોઅર સ્ટેશન આવેલું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર