Junagadh News: શિયાળામાં ફૂંકાતા ઠંડા પવનોની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જૂનાગઢ શહેરના લઘુતમ તાપમાનની વાત કરીએ તો, શહેરના લઘુતમ તાપમાનમાં 2 ડીગ્રી સેલ્શિયસનો વધારો નોંધાયો છે, પરંતુ ઠંડા પવનો ફૂંકાતા હોવાના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે.
આ અંગે વિગતવાર માહિતી આપતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ટેક્નિકલ ઓફિસર ધિમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આજુબાજુ જણાય રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી સેલ્શિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં પવનની ઝડપ વધવાની પુરી સંભાવના છે, જેના કારણે ઠંડા પવનોનું જોર વધશે.
અત્રે નોંધનીય છે કે, ગત દિવસોમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 ડીગ્રી સેલ્શિયસ જેટલો ઊંચો ગયો હોવા છતાં, ફૂંકાતા ઠંડા પવનોની ગતિને કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાય રહી છે. પવનની ઝડપ 3.4 કિમિ પ્રતિ કલાક થી વધીને 6 કિમિ પ્રતિ કલાક જેટલી થતાં, દિવસભર ઠંડુગાર વાતાવરણ અનુભવાય રહ્યું છે. લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થતાં, સ્વેટર, મફલર, હાથમોજા પહેરતાં થયાં છે.
આ સંદર્ભે તકેદારીના ભાગરૂપે ધિમંત વઘાસિયાએ જણાવ્યું કે, ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે લોકોએ ખુબજ સાવચેત રહેવાની જરૂર છે. કામ સિવાય ઘરની બહાર ન નીકળવું હિતાવહ છે. જો બહાર નીકળવાનું થાય તો, ગરમ કપડાં અવશ્યથી પહેરવા. ખેડૂતમિત્રોએ પાકને બચાવવા માટે સાંજના સમયે હળવું પિયત આપવું, તેમજ જો ફુવારા પદ્ધતિ હોય તો પાકમાં સાંજના સમયે હળવું પિયત આપવું જોઈએ. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોએ પોતાના પશુઓને ઠંડા પવનથી રક્ષણ આપવા સાંજના સમયે દીવાલની આડશ હોય, તેવા રહેઠાણમાં રાખવા જોઈએ. પશુઓ જ્યાં બાંધીએ, ત્યાં કંતાનનું આડશ બાંધવું જોઈએ, જેથી પશુઓને પણ ઠંડીથી પૂરતું રક્ષણ મળી શકે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર