જૂનાગઢ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુતમ તાપમાન (Temperature) અને મહતમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, પરિણામે બપોરના સમયે લોકોને ઠંડીના બદલે ગરમીનો (Heat) અનુભવ થઈ રહ્યો છે.
Junagadh News: જૂનાગઢ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુતમ તાપમાન (Temperature) અને મહતમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, પરિણામે બપોરના સમયે લોકોને ઠંડીના બદલે ગરમીનો (Heat) અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઝાંકળભર્યું વાતાવરણ (Forecast Of Junagadh) રહે છે, સાથોસાથ પવનની ઝડપને કારણે સવારે ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે; જૂનાગઢ શહેરમાં ગત તા.27 ડિસેમ્બર ને સોમવારની રાત્રિથી પવનની ઝડપમાં ભારે વધારો નોંધાયો છે. રાત્રીથી શરૂ થયેલ પવનના સુસવાટા વહેલી સવારે પણ ચાલુ રહેવાથી લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. આ વિષે વાત કરતાં જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ટેક્નિકલ ઓફિસર ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીના સમયગાળામાં પવનની ઝડપ 13 થી 15 કિલોમિટર પ્રતિ કલાકની રહેવા પામી છે, ત્યારે શહેરીજનોને ઝડપભેર ફૂંકાતા ઠંડાગાર પવનો વચ્ચે ઠંડીનો સામનો કરવો પડ્યો છે. જૂનાગઢમાં લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી અને ગિરનાર પર 9.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% રહ્યું હતું.
આગામી સમયમાં વાતાવરણની સ્થિતિને લઈને તેઓએ વાત કરતાં જણાવ્યું કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે. જેના કારણે ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. જોકે, આ ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી નહિ રહે. બે દિવસ બાદ ફરીથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે, પરિણામે ઠંડીનું પ્રમાણ સામાન્ય સ્થિતીમાં આવી જશે.
વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં માવઠું થયાના સમાચાર મળી રહ્યાં છે, કેટલાક શહેરમાં વરસાદ પડવાને કારણે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલ જણસી પલળી ગઈ હતી, પરંતુ જૂનાગઢમાં ગઈકાલે તા.28 ડિસેમ્બરના રોજ સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ માવઠું થાય તેવી કોઇ શક્યતા હાલના તબક્કે જોવા મળતી નથી. જેથી કરીને ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર