Home /News /kutchh-saurastra /

ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો, પ્રવાસીઓમાં નિરાશા

ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો, પ્રવાસીઓમાં નિરાશા

Girnar

Girnar Ropeway

જૂનાગઢ ગિરનાર પર ભારે પવનને કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી, અનેક યાત્રાળુ નિરાશ થઈ પરત ફર્યા...

    Junagadh News : જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે ગિરનાર પર્વત પર પવનની ગતિ વધુ તેજ હોવાના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી છે. ગિરનાર રોપવે દ્વારા ગિરનારની યાત્રા કરવા ઈચ્છતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો છે.

    સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશ સહિત જૂનાગઢ શહેરમાં છેલ્લાં કેટલાક દિવસથી ઝાકળ વર્ષા થઈ રહી છે, સાથોસાથ દિવસભર ઠંડા પવનો ફૂંકાય રહ્યાં છે, જેના લીધે ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભારે પવનને કારણે જનજીવનની સાથે ગિરનાર રોપવે સેવાને પણ અસર પહોંચી છે. આજરોજ તા.30મી ડિસેમ્બરના રોજ ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરવામાં આવી હતી.

    મળતી માહિતી મુજબ; ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાય રહ્યો છે. જેને કારણે ગિરનારની યાત્રાએ આવેલા મુસાફરોને યાત્રા ખેડવા માટે પવન સામે ઝઝૂમવું પડી રહ્યું છે. તેજગતિના પવનને કારણે કોઈ જાનહાની કે અઘટિત ઘટના ન બને, તે માટે ગિરનાર રોપવે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત તા.28 ડિસેમ્બરના રોજ ભારે પવનને કારણે રોપવે સેવા બંધ રહી હતી, આજરોજ ફરીથી પવનનું જોર વધતાં રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો: આજે ઠંડીનું જોર યથાવત રહેશે, ફરીથી આ તારીખે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

    ગિરનાર રોપ-વે દ્વારા ગિરનારની યાત્રા કરવા ઈચ્છતા યાત્રાળુઓ ગિરનારના લોઅર સ્ટેશન સુધી પહોંચ્યા, ત્યારે માલુમ પડ્યું કે, ગિરનાર રોપવે સેવા બંધ છે. જેને કારણે. અનેક યાત્રાળુઓને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. તેજગતિના પવનો શાંત થશે, એ પછી રોપવે ફરીથી કાર્યાન્વિત કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Girnar, Ropeway, Tourist, Wind, Winter, જૂનાગઢ, સમાચાર, હવામાન

    આગામી સમાચાર