જૂનાગઢ: 36મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા (Girnar Ascending and Descending Competition) આગામી તા.2 જાન્યુઆરી, 2022 અને 14મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Aarohan Avarohan Spardha)તા.6 ફેબ્રુઆરી, 2022 ના રોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા જૂનાગઢ-ગિરનાર ખાતે યોજાશે. આ સ્પર્ધાના પ્રવેશપત્રો આગામી તા.10 ડિસેમ્બર, 2021 થી 24 ડિસેમ્બર, 2021 સુધી સ્વીકારવામાં આવશે.
રાજ્યના સાહસિક યુવક-યુવતીઓ માટે ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ ગિરનાર ખાતે થનાર છે. આ સ્પર્ધાના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં સ્પર્ધાની તારીખ, વિભાગો, સ્પર્ધા અંતર અને સમય સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધા માટે અધિકારીઓના અધ્યક્ષસ્થાને ઉદ્ધાટન-ઇનામ વિતરણ સમિતિ, પ્રચાર-પ્રસાર અને સંપર્ક સમિતિ, પરીણામ સમિતિ, નિવાસ અને કાર્યાલય સમિતિ, મેડીકલ અને ભોજન સમિતિની રચના કરવામાં આવી હતી. વધુમાં કોવિડ-19ના સંક્રમણની સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગને તકેદારી રાખવા અંગે સૂચના આપવામાં આવી હતી.
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2022 માટે રાજ્ય સરકારની મંજૂરી સાથે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે, આ સ્પર્ધામાં 14 થી 35 વર્ષનાં યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. ભાગ લેવા ઈચ્છુક યુવક-યુવતીઓએ જૂનાગઢ જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે. આ ફોર્મ આધાર પુરાવા સાથે જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીને તા.10 ડિસેમ્બર, 2021 થી 24 ડિસેમ્બર, 2021 સુધીમાં મોકલી આપવાનું રહેશે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં 1 થી 25 ક્રમે પસંદગી પામનાર સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મોકલવામાં આવશે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે તે સ્થળ ખાતે સ્વ ખર્ચે આવવા-જવાનું રહેશે તથા સ્પર્ધા દરમ્યાન નિવાસ, ભોજન, તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પત્ર / મોબાઇલ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. કોઇપણ બાબતની પૂછપરછ માટે જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢનો સંપર્ક કરવાનો રહેશે.