Home /News /kutchh-saurastra /

Junagadh news: 350થી વધુ જેક લગાવી મોટરકારની જેમ મકાનને 4 ફૂટ ઊંચું કરવામાં આવ્યું!

Junagadh news: 350થી વધુ જેક લગાવી મોટરકારની જેમ મકાનને 4 ફૂટ ઊંચું કરવામાં આવ્યું!

building

building was raised with jacks

Junagadh news: જૂનાગઢમાં જેક લગાવીને મકાનને ઊંચું કરવામાં આવ્યું છે, આ ઘટના જૂનાગઢમાં પહેલીવાર બની છે, ત્યારે લોકોમાં કુતુહલ સર્જાયું છે.

    જૂનાગઢઃદિનપ્રતિદિન વધતી જતી અવનવી ટેક્નોલોજીની (Technology) મદદથી માનવ જીવન સરળ બની રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં સૌપ્રથમવાર કોઈ મોટરકાર કે ટ્રકને નહીં, પરંતુ મકાનને જેક (House Raised With Jacks) દ્વારા ઊંચકવાની ઘટના બની છે. વરસાદી પાણી (Rain Water) ઘરમાં ઘુસી જવાની સમસ્યાની નિવારવા મકાન માલિક દ્વારા એક ખાનગી કંપનીની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે.

    મકાનને શા માટે અને શાના દ્વારા ઊંચું કરવામાં આવ્યું?

    જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ન્યુ બેસ્ટ ઈંગ્લીશ સ્કૂલ નજીક આવેલ એક મકાનનું લેવલ રસ્તાની સપાટીથી નીચું હોવાને કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ઘરમાં ઘુસી જવાની સમસ્યા થતી. જેને નિવારવા માટે મકાન માલિકે અમદાવાદની ગુરુદેવ કન્ટ્રક્શન એજન્સીની મદદથી મકાનને જમીનથી ઊંચું કરવાનો નિર્ણય કર્યો. જે બાદ એજન્સીના કામદારો દ્વારા મકાનને આખા પાયાથી અલગ કરી, અંદાજીત 350થી વધુ જેક લગાવીને 4 ફૂટ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે. હવે, ફરી નવા પાયા બનાવીને મકાનને તેની સાથે જોડી દેવામાં આવશે.

    આ કામગીરી પાછળ કેટલો ખર્ચ થાય છે?કામગીરીથી કોઈ નુકસાન થાય છે ખરું?

    સામાન્ય રીતે પાણી ભરાવાની સમસ્યામાં અથવા તો કોઈ અન્ય કારણોસર મકાનનું બેઝમેન્ટ લેવલ ઊંચું લાવવા લોકો મકાન તોડીને નવું મકાન બનાવતાં હોય છે, જેમાં ઘણો ખર્ચ થાય છે, પરંતુ મકાનને ઊંચું લાવવા વપરાતી આ ટેક્નોલોજીમાં મકાનની કિંમત કરતાં ન્યૂનતમ 25% જેટલો અને મહત્તમ 40% જેટલો ખર્ચ લાગે છે, જે કામગીરી દરમિયાન વપરાતાં મટીરીયલની ક્વોલિટી ઉપર આધાર રાખે છે. આ ટેક્નોલોજીથી નાણાકીય ખર્ચની સાથે રેતી, સિમેન્ટ, કાંકરી, પથ્થર જેવા ખનીજની પણ બચત થાય છે. આ ટેક્નોલોજીથી મૂળ મકાનને કોઈ નુકસાન થતું નથી, માત્ર મકાનને જેકની મદદથી પાયાથી જ અલગ કરવામાં આવે છે.

    અગાઉ આ ટેક્નોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં થયેલો છે?

    જૂનાગઢમાં જેકની મદદથી મકાનનું લેવલ ઊંચું કરવાની ઘટના સૌપ્રથમ વખત બની છે, પરંતુ આ એજન્સી દ્વારા ભારતભરમાં 5000 જેટલા બાંધકામોમાં આ પ્રકારની ટેક્નોલોજી ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં 1000 કરતા વધુ, જ્યારે અમદાવાદમાં 800થી વધારે મકાનો સફળતાપૂર્વક ઊંચા લેવાયા છે. એજન્સી ધારકના કહેવા મુજબ; તેઓ આ ટેક્નોલોજી આધારે છેલ્લાં 22 વર્ષથી નોટિફાઇડ અને ગેરેન્ટી સાથે કામગીરી કરી રહ્યાં છે.

    જૂનાગઢવાસીઓમાં કુતુહલ સર્જાયું:

    મકાનને જેક લગાવી ઊંચું કરવામાં આવ્યું છે, એવી ઘટના જૂનાગઢમાં સૌપ્રથમ વખત બની છે, ત્યારે જૂનાગઢવાસીઓમાં કુતુહલ સર્જાયું છે. લોકો આ ઘટના વિશે સાંભળીને સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી રહ્યાં છે. ટેક્નોલોજીની મદદથી મકાનને જેકના સહારે હવામાં તરતું જોઈ, સૌ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
    First published:

    Tags: Construction, Gujarati News News, Junagadh news, ટેકનોલોજી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन