હિન્દૂ સંસ્કૃતિમાં ચાલી આવતી પરંપરા મુજબ ધન તેરસના શુભ દિવસે સુવર્ણ અને ધનની એટલે કે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધન તેરસની સંધ્યાએ ઠાકોરજીના સુવર્ણ આભૂષણો, ધન અને ભગવાન સ્વામિનારાયણએ પ્રસાદી સ્વરૂપે આપેલી ગીનીની વિશેષ પૂજા કરવામાં આવી.
જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરના આંગણે ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં પણ દીપોત્સવીના તહેવારોની ઉજવણીના ભાગરૂપે ધન તેરસના શુભ દિવસે પરંપરાગત રીતે ધનની પૂજા કરવામાં આવે છે. આજથી 194 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે જે ગીની આપેલી છે, એજ પ્રસાદીની ગીનીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત ઠાકોરજીને ધરાવવામાં આવતા સુવર્ણના આભૂષણોની ધન તેરસના દિવસે પૂજા કરવામાં આવે છે.
આ તકે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીએ જણાવ્યું કે, ધન તેરસના પવિત્ર દિવસે વર્ષ દરમિયાન ઘરમાં આવતાં ધન તેમજ સુવર્ણના શુદ્ધિકરણ માટે તેની પૂજા કરવામાં આવતી હોય છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરતાં કહીએ કે, ભગવાન લોકોના ઘરમાં રહેલાં સુવર્ણ અને ધનની અંદર કાયમી નિવાસ કરે, જેથી એ સંપત્તિ પરિવાર માટે સુખમય નીવડે.
જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દીપોત્સવના તહેવારોની ઉજવણીના ભાગરૂપે કાળી ચૌદશના દિવસે હનુમાનજી પૂજન, દિવાળીના દિવસે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, બેસતાં વર્ષના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા અને દિવ્ય અન્નકુટ ઉત્સવની ઉજવણી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર