જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક (Icon) તરીકે ઓળખાતા દાતાર (Datar) બાપુની જગ્યામાં ઉર્ષ ઉજવણીનો પ્રારંભ થયો છે, ત્યારે અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત દાતાર બાપુની ગુફામાં રહેલાં અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણોને ગુફાની બહાર લાવીને તેની સ્નાન વિધિ તેમજ ચંદનવિધિ (Datar Chandan Vidhi) કરવામાં આવી. જેના દર્શનનો અમૂલ્ય લાભ અનેક ભાવિકોએ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
જૂનાગઢના દાતાર પર્વત પર આવેલ જમીયલશા દાતારની જગ્યામાં ઉર્ષ મહાપર્વની ઉજવણી ગત તા.16મી ઓક્ટોબર થી શરૂ થઈ છે, ત્યારે ઉર્ષ મહાપર્વના પ્રથમ દિવસે દાતાર બાપુની ગુફામાં રહેલા અતિપવિત્ર અને અમૂલ્ય આભૂષણો જેવાકે; પવન પાવડી, માણેક, પોંખરાજ, દાતાર બાપુના કાનના કુંડળ જેવા આભૂષણોની સ્નાનવિધિ તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અહીં મહત્વની વાત એ છે કે, ગુફામાં સ્થિત દાતાર બાપુના પવિત્ર આભૂષણોને વર્ષમાં માત્ર એકજ વખત ગુફાની બહાર લાવવામાં આવે છે.
ઉર્ષ મહાપર્વના પ્રથમ દિવસે દાતાર બાપુના આભૂષણોને ગુફાની બહાર લાવીને સૌપ્રથમ તેને ગંગાજળ, ગુલાબજળ, ગાયનું દૂધ વગેરે જેવા પવિત્ર દ્રવ્યોથી સ્નાન કરાવી સ્નાનવિધિ કરવામાં આવી હતી. જે સ્નાનવિધિ દાતાર બાપુની જગ્યાના ટેલિયાઓ (સેવકગણ) અને દાતાર બાપુની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા કરવામાં આવી હતી. સ્નાનવિધિ વખતે બ્રાહ્મણોએ કરેલાં મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સ્નાનવિધિ બાદ આભૂષણોને ચંદનનો લેપ કરીને ચંદનવિધિ કરવામાં આવી હતી. જે પછી દાતાર બાપુના અતિપવિત્ર અને અમૂલ્ય આભૂષણોને પરંપરાગત રીતે નિજ સ્થાને મુકવામાં આવ્યા હતાં.
ચંદનવિધિના પ્રસંગે અનેક હિન્દૂ-મુસ્લિમ બિરાદરોએ દર્શનનો લાભ લીધો હતો. કોરોના ગાઈડલાઇન્સ મુજબ આ વર્ષે દાતાર બાપુના ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી. આ વર્ષે માત્ર ચંદનવિધિ, મહેંદી, રસમ જેવા કાર્યક્રમો યોજાનાર છે. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગામી તા.20 ઓક્ટોબર સુધી ઉપલા દાતાર તરફ જવા માટે દર્શનાર્થીઓએ અહીંથી મંજૂરી મેળવવી પડશે અને સમય મર્યાદામાં દર્શન કરીને પરત આવવું પડશે. આ ઉપરાંત દાતાર પર્વતના પહેલા પગથિયાથી દાતાર જગ્યા સુધીના કોઈપણ વિસ્તારમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.