કોરોના કાળમાં (Coronavirus) અનેક ટ્રેનો (Train) બંધ કરવાની ફરજ પડી હતી, ત્યારે હવે યાત્રિકોની (Passenger) માંગ મુજબ અને સુવિધામાં વધારો કરવા આગામી તા.16મી ઓગસ્ટથી રાજકોટ- સોમનાથ (Rajkot-Somnath) રાજકોટ દૈનિક લોકલ ટ્રેન (Local) રાબેતા મુજબ દોડાવવા રેલવે તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.
રાજકોટ-સોમનાથ-રાજકોટ સ્પેશીયલ દૈનિક લોકલ ટ્રેન રાજકોટ થી દરરોજ સાંજે 6 વાગ્યે ઉપડશે અને 11:25 કલાકે સોમનાથ પહોંચશે, તેમજ સોમનાથ થી વ્હેલી સવારે 4:35 કલાકે ઉપડશે અને રાજકોટ 9:45 કલાકે પહોંચનાર છે. આ વિશેષ ટ્રેન તા.16 ઓગસ્ટ થી આગળની સૂચના સુધી દોડશે, તેવું જણાવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે https://enquiry.indianrail.gov.in/ ની મુલાકાત કરી શકો છો.
સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની તૈયારી માટે બેઠક જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
આગામી સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે, ત્યારે આ ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તારીખ 15 ઓગસ્ટ ના ધ્વજવંદન કાર્યક્રમની ગરિમાપૂર્ણ ઉજવણી સાથે 14 ઓગસ્ટના રોજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર એટ હોમ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેકટરએ માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉજવણી સંદર્ભે જુદી-જુદી 18 સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય સંકલન સમિતિ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને, ધ્વજવંદન કમિટીના અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ જવાબદારી સંભાળશે, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પરેડ સલામતી સમિતિના અધ્યક્ષ રહેશે. નિવાસી અધિક કલેકટર એલ. બી.બાંભણિયા કારોબારી ફંડ હિસાબ સમિતિ, મદદનીશ કલેકટર જૂનાગઢના અધ્યક્ષસ્થાને બેઠક વ્યવસ્થાપન કમિટી, જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના અધ્યક્ષસ્થાને આમંત્રણ કાર્ડ સહિત છાપકામ સમિતિ ઉપરાંત, મંડપ લાઈટ, ડેકોરેશન, સાંસ્કૃતિક કાર્યક્રમ રહેઠાણ વ્યવસ્થાપન, ભોજન સમિતિ, સ્વાગત પ્રોટોકોલ, પુરસ્કાર વિતરણ, આરોગ્ય સમિતિની તેમજ પ્રચાર-પ્રસાર પ્રેસ મીડિયા સહિતની કમીટીની રચના કરવામાં આવી છે.