આસો નવરાત્રીની (Navratri) સમાપ્તિ થઈ છે, ત્યારે જૂનાગઢમાં લોહાણા સમાજ (Lohana) દ્વારા માઁ ભગવતી રાંદલ (Randal) માતાજીના લોટા તેડવાનું સુંદર આયોજન થયું હતું. જેમાં બે કે ચાર નહીં, પણ પૂરાં છપ્પન રાંદલ માતાજીના લોટા (Randal Lota) તેડવામાં આવ્યાં હતાં. આ અવસરે માતાજીના ગરબા (Garba) અને શ્રીનાથજી (Shrinathji) સત્સંગનો ભવ્ય કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.
હિન્દૂ ધર્મમાં આપણે ત્યાં કોઈપણ શુભ પ્રસંગે રાંદલના લોટા તેડવાનું વિશેષ મહત્વ રહેલું છે, લોટા તેડવાનો પ્રસંગ એટલે રાંદલ માતાજીનું સ્થાપન જ છે. જેમાં બે લોટા (બેકી સંખ્યામાં લોટા) તેડવામાં આવે છે, એક રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ્યારે બીજું માતાજીનું છાયા સ્વરૂપ. લોટા પ્રસંગે સૂર્ય નારાયણ ઘોડાનું સ્વરૂપ લઈને હાજર રહે છે. આથી જ્યાં સુધી ઘોડો ખૂંદવા નામની ધાર્મિક પ્રવૃત્તિ પૂર્ણ ન થાય, ત્યાં સુધી રાંદલના લોટાનો પ્રસંગ અધુરો કહેવાય છે, તેવું જાણકારો દ્વારા બતાવવામાં આવ્યું છે.
સંતો-મહંતોની પાવન ભૂમિ કહેવાતી જૂનાગઢની ધરા ઉપર અવારનવાર ધાર્મિક મહોત્સવોનું આયોજન થતું આવે છે, ત્યારે શ્રી લોહાણા મહાજન વાડી-જૂનાગઢ ખાતે શ્રી લોહાણા યુવા સંગઠન અને શ્રી રઘુવિર સેના-જૂનાગઢના સંયુક્ત ભાવથી માઁ ભગવતિ રાંદલમાનાં 56 (છપ્પન) લોટાના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જે પ્રસંગે અનેક ભાવિકોએ હાજરી આપીને આ અનોખા સંયોગના દર્શન કર્યા હતા.
આ અવસરે માતાજીના ગરબા તેમજ શ્રીનાથજીની ઝાંખીનો સત્સંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ. આ મંગલ અવસરે પ્રેરણાધામથી પધારેલ લાલજી મહારાજ, લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ તથા ભુતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂનું સાલ ઓઢાડીને સન્માન શ્રી લોહાણા યુવા સંગઠનના પ્રમુખ ઘનશ્યામભાઇ મશરૂ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રઘુવિર સેનાના પ્રમુખ અશોકભાઇ તથા સમગ્ર રઘુવિર સેના અને શ્રી લોહાણા યુવા સંગઠનના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર