માત્ર ‘ધમાલ’ નહીં પણ હવે રમતનાં મેદાનમાં પણ ધૂમ મચાવે છે સિદ્દી બાળકો

News18 Gujarati
Updated: March 14, 2019, 3:22 PM IST
માત્ર ‘ધમાલ’ નહીં પણ હવે રમતનાં મેદાનમાં પણ ધૂમ મચાવે છે સિદ્દી બાળકો
ચિત્રાવડ ગામે સિદ્દી બાળકો મટે વિશેષ ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાયો હતો.

જયપુરમાં યોજાયેલી કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશીપમાં સિદ્દી યુવાન રોહિત મશગુલે (15 વર્ષ) 42 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે મકવાણા મહેરૂકે 52 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

  • Share this:
વિજયસિંહ પરમાર, અમદાવાદ: ગીર જંગલની આસપાસનાં ગામડાઓમાં રહેતા સિદ્દી સમાજનાં બાળકો અને યુવાનો જેમ તેમના પરંપરાગત ધમાલ નૃત્યમાં મંત્રમુગ્ધ કરી દે છે તેમ આગામી સમયમાં રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય ક્ષેત્રે રમતનાં મેદાનમાં પણ ધૂમ મચાવશે. અલબત્ત, આ સિદ્દી સમુદાયનાં બાળકોએ ગુજરાતને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે તેમની તાકાતનો પરચો દેખાડી પણ દીધો છે અને ગુજરાત માટે મેડલ જીતી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, ગયા અઠવાડિયે તાલાલા પાસે આવેલા ચિત્રાવડ ગામમાં માત્ર સિદ્દી બાળકો માટે જ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એ વિશેષ ટેલેન્ટ હન્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં 197 બહેનો અને 262 સિદ્દી ભાઇઓએ ભાગ લીધો હતો. સિદ્દી સમુદાયનાં લોકો ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાનાં 35 ગામડાઓમાં વસવાટ કરે છે.

ચિત્રાવડ ગામમાં માત્ર સિદ્દી બાળકો માટે જ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એ વિશેષ ટેલેન્ટ હન્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


ગીર-સોમનાથ જિલ્લાનાં સિનીયર કોચ કાનજી ભાલીયાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, આ કાર્યક્રમ યોજવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે, સિદ્દી બાળકોમાં રહેલી પ્રતિભાને શોધવાનો હતો અને તેમને તેમને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે, આ બાળકોને તેમના ગામથી ચિત્રાવડ ગામ સુધી લાવવા અને મૂકવાની અને નાસ્તા-પાણી અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી.

“આ એક વિશેષ પહેલ હતી કે, જેમાં સિદ્દી સમુદાયનાં બાળકો પર વિશેષ ધ્યાન આપીને તેમને રમત-ગમતનાં ક્ષેત્રમાં આગળ આવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે. અમે આ દરેક ગામોમાં ગયા અને સિદ્દી સમુદાયનાં લોકોને પણ સમજાવ્યા અને તેઓ તૈયાર પણ થાય. બે દિવસ આ બાળકોની વિવિધ પ્રકારની ટેસ્ટ લેવામાં આવી. આ ટેસ્ટ પછી 50 થી 60 બાળકોને પસંદ કરીશું અને આગળની તાલીમ અને ટેસ્ટ માટે તેમને નડિયાદ ખાતે આવેલી સ્પોર્ટ્સ એકેડમીમાં લઇ જવાશે” કાનજી ભાલીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું.

તેમણે કહ્યું કે, આ પહેલા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનાં સચિવ ડી.ડી કોપડીયા તથા અન્ય અધિકારીઓ અંગત રસ લઇ રહ્યા છે.સિદ્દી સમુદાયનાં મૂળ આફ્રિકામાં રહેલા છે અને વર્ષો પહેલા તેમને ગુલામો તરીકે ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. સમાજિક, આર્થિક અને શૈક્ષેણિક રીતે આ સમુદાય ખુબ પછાત છે અને ગુજરાતમાં તેમને આદિમ જૂથમાં ગણવામાં આવે છે.
જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં તેમની વસ્તી અંદાજિત 9000 જેટલી છે. મોટાભાગે, આ સમુદાયનાં લોકો ખેતી અને ખેત-મજુરી પર નિર્ભર છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાસણ (ગીર)ની મુલાકાત દરમિયાન સિદ્દીઓએ ધમાલ નૃત્ય કર્યુ હતુ.


નડિયાદ ખાતે આવેલી સ્પોર્ટ્સ એકેડમીમાં જુડોનાં કોચ ઘનશ્યામ રાજપૂત હેઠળ પાંચ સિદ્દી બાળકો તાલીમ લઇ રહ્યાં છે.

ઘનશ્યામ રાજપૂતે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “સિદ્દી સમુદાયમાંથી આવતા બાળકોમાં ઘણી પ્રતિભાઓ છે અને તેમને એક રમતવીર તરીકે તૈયાર કરવાની અમારી ઇચ્છા છે અને તેમાં અમે રસ લઇ રહ્યા છીએ. આ બાળકો રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય ઇનામો મેળવી રહ્યાં છે. અમને આત્મવિશ્વાસ છે કે, ભવિષ્યમાં આ બાળકો ગુજરાતનું નામ રોશન કરશે”.

ગયા વર્ષે જયપુરમાં યોજાયેલી કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશીપમાં સિદ્દી યુવાન રોહિત મશગુલે (15 વર્ષ) 42 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે મકવાણા મહેરૂકે 52 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં છત્તિસગઢનાં રાયપુરમાં યોજાયેલી 16મી નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મુસ્કાન ચોટિયારાએ 3000 મિટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હાલમાં મુસ્કાન દેવગઢ બારિયા ખાતે આવેલી સ્પોર્ટ્સ એકેડમી ખાતે તાલીમ મેળવી રહી છે.
First published: March 14, 2019
વધુ વાંચો
अगली ख़बर