રૂપાણી સરકારની રાજહઠ સામે ગીર વાંઝિયું બન્યું, સરકારનું જ શિંગોડા ડેમમાં ગેરકાયદે ખનન શરૂ

News18 Gujarati
Updated: May 15, 2018, 10:10 AM IST
રૂપાણી સરકારની રાજહઠ સામે ગીર વાંઝિયું બન્યું, સરકારનું જ શિંગોડા ડેમમાં ગેરકાયદે ખનન શરૂ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
વિજયસિંહ પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી

શિંગોડા ડેમ ડિસીલ્ટીંગ મામલે વિજય રૂપાણી સરકારે રાજહઠ પકડી અને ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમનું ડિસીલ્ટીંગનું કામ શરૂ કર્યું છે. સંખ્યાબંધ ટ્રેક્ટરો અને જેસીબી મશીનો ગીર નેશનલ પાર્કમાં આવેલા રસ્તાઓ ઘમરોળી શિંગોડા ડેમમાંથી માટી બહાર લઇ જઇ રહ્યા છે. સરકારે આ મુદ્દે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને ઇન્ચાર્જ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સીસ જી. કે સિન્હાને પણ બાયપાસ કર્યા અને અધિક મુખ્ય સચિવ ( વન અને પર્યાવરણ) અરવિંદ અગ્રવાલની લેખિત સૂચનાથી આ કામ શરૂ કર્યું છે. ગીરનાં પતનની શરૂઆતનો અંદેશો આપતો ન્યૂઝ18 ગુજરાતીનો વિશેષ અહેવાલ.

છેલ્લા પાંચ દાયકામાં ગીર જંગલ અને સિંહોનાં સંરક્ષણ માટે પોતાની જિંદગી દાવ પર લગાવી અનેક પ્રશ્નો સામે બાથ ભીડનારાં લોકો અને અધિકારીઓ માટે આજે માઠાં દિવસો આવ્યાં છે. વિજય રૂપાણી સરકારની રાજહઠ સામે ગીર હાર્યુ અને વાંઝિયું બની ગયું. ગીરનાં સંરક્ષણનાં ઇતિહાસની તવારીખમાં આ દિવસ કાળા દિવસ તરીકે લેખાશે. કેમ કે, ગુજરાત સરકારે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ (1972)ની તમામ જોગવાઇઓને બાજુ પર મૂકી દીધી. સંખ્યાબંધ ટ્રેક્ટરો અને જે.સી.બી મશીનો ગીરની જૈવિક સંપદાને ખેદાન-મેદાન કરી રહ્યાં છે.

એક ઉચ્ચ અધિકારીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, અધિક મુખ્ય સચિવ (વન અને પર્યાવરણ) અરવિંદ અગ્રવાલે આ કિસ્સામાં લેખિત સૂચના આપી છે કે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ની કલમ 35ની પેટા કલમ-6નું એવુ અર્થઘટન કર્યુ કે, આ કલમ મુજબ શિંગોડા ડેમના ડિસીલ્ટીંગનું કામ કરવા માટે આ કાયદાનો ભંગ થતો નથી. આથી, વન વિભાગ પાસેથી મંજુરી લેવાની થતી જ નથી. જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ ડેમ ઊંડો કરવાનો છે”

નિષ્ણાંતો કહે છે કે, કાયદાકીય રીતે, રાજ્યમાં વન્ય પ્રાણીઓને લગતા કોઇ પણ નિર્ણયો રાજયનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્ય-પ્રાણી)નાં હુકમથી જ થાય. ગુજરાતનાં અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્ય-પ્રાણી) જી. કે. સિન્હા છે. તેમની પાસે હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સીસનો વધારાનો હવાલો પણ છે. પણ શિંગોડા ડેમને ઊડો કરવાના કામનો આદેશ જી.કે. સિન્હાએ કર્યો નથી.

વાઇલ્ડ લાઇફ નિષ્ણાંત અને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના સભ્ય એચ.એસ.સિંઘે જણાવ્યું કે, નેશનલ પાર્કમાં આ પ્રકારનું કામ કરવા માટે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મંજરી લેવી જ ફરજિયાત છે. આવી રીતે કામ ન કરી શકાય”.'
સરકારે વાઇલ્ડલાઇફ પ્રોટેકેશન એક્ટની કલમનું ખોટુ અર્થઘટન કર્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.


વાઇલ્ડલાઇફ પ્રોટેકેશન એક્ટની કલમ 35ની પેટા કલમ 6 શું કરે છે?

વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટની કલમ 35ની પેટા કલમ 6માં સ્પષ્ટ લખેલું છે કે, જો સરકારને એમ લાગે છે આ કમ ખરેખર કરવું જ પડે એમ છે, તો રાજ્ય સરકારે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફનના કન્સલ્ટેશનમાં રહીને આ કામ કરવાનું છે અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનના આદેશથી જ આ કામ કરી શકાય. અને આ કામ વન્ય-પ્રાણીના હિતમાં હોય તો જ કરવાનું છે. નહીં તો નહીં.”

વાઇલ્ડલાઇફ પ્રોટેકેશન એક્ટની આ કલમનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે, વાઇલ્ડલાઇફ વોર્ડને આ કામ રોકાવ્યુ પણ નથી. એટલે ચિત્ર સ્પષ્ટ ઉભુ થયુ છે કે, ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જી.કે. સિન્હાએ વન્ય-પ્રાણીઓના સંરક્ષણમાંથી તેમના હાથ ઉંચા કરી દીધા છે. ગુજરાતની વન્ય-પ્રાણી સંરક્ષણના ઇતિહાસની કદાચ આ સૌથી મોટી ઘટના ગણી શકાય. ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એક રીતે રાજયના વન્ય-પ્રાણીઓનાં ‘મા-બાપ’ છે. પણ આ કિસ્સામાં ગીરના વન્ય-પ્રાણીઓ ‘વાંજિયા’ થઇ ગયા.

શા માટે રૂપાણી સરકારે રાજહઠ પકડી છે?

વિજય રૂપાણી સરકારની એવી તો કઇ મજબુરી છે કે વન્ય-પ્રાણીઓના ભોગે આને કાયદાને તોડીને આ કામ કરવાના આદેશ આપ્યા છે ? આ વિશે કોડીનારના રહેવાસી રામભાઇ સોંલકીએ કહ્યું કે, શિંગોડા ડેમનું ડિસીલ્ટીંગ કરવા પાછળ સ્થાનિક રાજકારણ જવાબદાર છે અને અમિત જેઠવા હત્યાકેસના આરોપી અને ભાજપના આગેવાન દિનું સોંલકીએ કોડીનારમાં ગુમાવેલી રાજકીય પ્રતિષ્ઠા પાછી સ્થાપિત કરવાનું માટેનું આ કામ છે. છેલ્લા કેટલાય દિવસોથી કોડીનાર પંથકમાં દિનુ સોંલકીના માણસો પ્રચાર કરી રહ્યાં છે કે, દિનુ સોંલકીના કારણને રાજ્ય સરકારે શિંગોડા ડેમ ઊંડો કરવાની મજૂરી આપી છે. આ લોકો એવું પણ કહે છે કે, જે વન અધિકારીઓ આ કામમાં આડા આવશે તેમની કારકિર્દી ખતમ કરી નાંખીશું. સરકાર આપણું જ સાંભળશે. આ સત્ય હકીકત છે.”

રામભાઇ સોંલકી અમિત જેઠવા હત્યા કેસના સાક્ષીઓમાંના એક છે.

છેલ્લા ચાર દિવસથી શિંગોડા ડેમનાં ડિસીલ્ટીંગનું કામ શરૂ થયુ છે. આ વિશે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ એટલે સુંધી સરકારને વિનંતી કરી હતી, કે જો આ કામ એટલુ જ મહત્વનું હોય, તો વન વિભાગ પોતે આ કામ કરશે અને ડેમની માટી જંગલમાં રહે એવી વ્યવસ્થા કરી વન્ય પ્રાણીઓ અને જંગલને નુકશાન ન થાય એવી રીતે કરશે. આમ છતાં, સ્થાપિત હિતોના ઇસારે સરકારે શિંગોડા ડેમને ઊંડો ઉતારવાના ‘ગેરકાયદે” આદેશ તો કર્યા. પણ સાથે સાથે ડેમની માટીને નેશનલ પાર્કની બહાર લઇ જવાની પણ છૂટ આપી.

ગાંધીનગરમાં બેઠેલા એક ઉચ્ચ અધિકારીએ ન્યૂઝ18 ગુજરાતી સમક્ષ એવો દાવો કર્યો કે, “ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જી.કે. સિન્હાનએ સરકારને આ સંવેદશીલ પ્રશ્ન વિશે સમજાવવાની કોશિષ કરી પણ સરકારે તેમની સલાહને માની નથી.. સરકારે વન્ય પ્રાણીઓ અને ગીર જંગલના લાંબાગાળાના સરંક્ષણના હિતમાં વિચારવાને બદલે, શિંગોડા ડેમને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો અને રાજહઠ પકડી.

પર્યાવરણવાદીઓ આ મુદ્દે શું કહે છે?

પર્યાવરણના મુદ્દે લડતા મહેશ પંડ્યાએ કહ્યું કે, જળસંચયના કામના સરકાર સંયમ ગુમાવી બેઠી છે. આ કામમાં ખાણ માફિયાઓને મજા પડી ગઇ છે. લોકો નદીઓમાંથી બેફામ રેતીઓ ઉપાડવા માંડ્યા છે. શિંગાડા ડેમના કિસ્સામાં તો, ગુજરાત હાઇકોર્ટે દખલગીરી કરવી જોઇએ. કોઇ રાજ્યમાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનને કેવી રીતે બાયપાસ કરી શકે ? આ અરાજક્તા છે. જો સરકાર પોતે જ કાયદાનું પોતાને અનુકૂળ અર્થઘટન કરશે તો આ દેશની જૈવિક સંપદાનું શું થશે ? આજ ‘ગુજરાત મોડેલ’ છે?”

ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાખલ કરી છે. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે.

(vijaysinh.parmar@nw18.com)
First published: May 15, 2018, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading