Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: જનતાનાં રૂપિયાનો ધુમાડો, 11 મહિના પહેલાં ₹22 કરોડના ખર્ચે બનાવેલા રોડને તોડી પડાયો

જૂનાગઢ: જનતાનાં રૂપિયાનો ધુમાડો, 11 મહિના પહેલાં ₹22 કરોડના ખર્ચે બનાવેલા રોડને તોડી પડાયો

Roads

Roads built

જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનેલાં મુખ્ય રસ્તાઓ વારંવાર તોડવામાં આવી રહ્યાં છે, ત્યારે મનપા અધિકારીએ જનતાને 'સહકાર' આપવા જણાવ્યું! જુઓ Video

    Junagadh News: જૂનાગઢ ગુજરાત રાજ્યનું એકમાત્ર એવું મહાનગર (Junagadh City) છે, જ્યાં મહાનગરપાલિકા બન્યાં પછી પણ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા (Sewer system) ન્હોતી! અંદાજે 100 વર્ષ કરતાં વધુ જૂની નવાબી શાસનકાળ સમયની ગટર વ્યવસ્થામાંથી મુક્તિ આપવા જૂનાગઢ મહાનગરપાલિકા (JMC) દ્વારા ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ₹253.45 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું. જે પછી જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે હાલમાં અક્ષરવાડી થી મોતીબાગ રોડ, ચોબારી રોડ અને મીરાનગર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે.

    જે રસ્તાનો ગેરેન્ટી પિરિયડ હજુ પૂરો નથી થયો, એ પહેલાં રસ્તો તોડવામાં આવ્યો:

    જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામ માટે નવા બનાવેલાં રસ્તાઓ તોડવામાં આવતાં જનતામાં ભારે આક્રોશ ફેલાયો છે. જૂનાગઢમાં નવા રસ્તા બનાવવાની શરૂઆત જ્યાંથી થઈ હતી, એવા મોતીબાગ તરફ જતાં રસ્તે અંદાજે 11 મહિના પહેલાં ₹22 કરોડના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જેનું ખાતમુહૂર્ત ખુદ જૂનાગઢ મેયર દ્વારા કરવામાં આવ્યું હતું. જેનું કામ પૂર્ણ થયાના 12 મહિનાની સમય મર્યાદા અને 356 મહિનાનો ગેરેન્ટી પિરિયડ પૂરો થાય એ પહેલાં ગટરના કામ માટે રસ્તો તોડી નાખવામાં આવ્યો છે.

    તંત્રની કામગીરીથી પ્રજામાં અનેક સવાલો ઉઠ્યાં છે! :

    જૂનાગઢના તંત્રની કામ કરવાની નીતિ જોઈને જાહેર જનતાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. નવો રસ્તો બની જાય, પછી જ કેમ તંત્રને પાણીની લાઈન, ગટરનું કામ, ગેસની લાઇન કે કેબલ પાથરવાનું યાદ આવે છે? શું તંત્ર જનતાનું સુખ જોઈ નથી શકતી? કોથળામાંથી બિલાડું કાઢવાની તંત્રની પરંપરા પર ક્યારે પૂર્ણવિરામ લાગશે? હાલ તો જનતાના પૈસે થઈ રહેલો વિકાસ, પૈસાનું પાણી કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે!

    રસ્તો તોડવામાં આવતાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે:

    શહેરના મુખ્ય વિસ્તાર કહેવાતા મોતીબાગ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ માટે રસ્તો તોડવામાં અનેક સમસ્યાએ જન્મ લીધો છે. ફોરલેન રોડની એક બાજુ કામ ચાલુ હોવાથી, વાહનો માત્ર એક બાજુથી પસાર થઈ રહ્યાં છે. ત્યારે કોઈ ભારે વાહન નીકળતાં રસ્તામાં ભારે ટ્રાફિક સર્જાય છે. રસ્તો ખોદવામાં આવતાં, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ત્યારે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ પરેશાન થયાં છે. મોતીબાગ વિસ્તારમાં અનેક શાળાઓ આવેલ હોવાથી, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ અનેક હાલાકી ભોગવી રહ્યાં છે.

    મનપા અધિકારીએ જનતાને સહકાર આપવા કહ્યું! :

    જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયાએ આ અંગે જણાવ્યું કે, હાલ ગુજરાત સરકારની સૂચના પ્રમાણે જૂનાગઢમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જેવું કામ પૂર્ણ થશે, એટલે એજ કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી આ રસ્તાઓનું નવીનીકરણ થશે. હાલમાં ચાલી રહેલ કામગીરી પર મનપા તંત્ર દ્વારા પૂરતું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ મંજૂરી મલશે, તેમ તેમ ગટરનું કામ આગળ વધારાશે. જૂનાગઢની જાહેર જનતાને આ કામને કારણે નાની-મોટી તકલીફ પડે છે, પણ કામ કરવું જરૂરી છે, ત્યારે જાહેર જનતાને સહકાર આપવા જણાવ્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jamnagar Samachar, JMC, Local News, Problem, Public, Road, જામનગર સમાચાર

    આગામી સમાચાર