રાહુલ ગાંધી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે

News18 Gujarati
Updated: April 18, 2019, 7:59 AM IST
રાહુલ ગાંધી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે
રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન, જૂનાગઢના વંથલી, કચ્છના ભૂજ, અને સુરતના બારડોલીમાં સભા સંબોધશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ગુરુવારથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં ત્રણ ચૂંટણી રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધી પણ બે દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન, જૂનાગઢના વંથલી, કચ્છના ભૂજ, અને સુરતના બારડોલીમાં સભા સંબોધશે.

રાહુલ ગાંધીનો બે દિવસનો કાર્યક્રમ

રાહુલ ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી સીધા જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર બપોરે 3.30 કલાકે આવશે. જૂનાગઢથી તેઓ બાય રોડ વંથલી પહોંચશે. અહીં સાંજે ચાર વાગે જૂનાગઢ અને પોરબંદર લોકસભાના મતદારોને સંબોધશે. રાહુલ ગાંધી જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર પૂંજા વંશ માટે પ્રચાર કરશે. ત્યાર બાદ તેઓ વિમાન માર્ગે ભૂજ જશે. રાહુલ સાંજે 6.15 કલાકે ભૂજમાં નરેશ મહેશ્વરી માટે સભા સંબોધશે. જે બાદમાં તેઓ અહીંથી દિલ્હી જવા માટે રવાના થશે. શુક્રવારે તેઓ સવારે સુરત એરપોર્ટ આવશે. 19મી એપ્રિલના રોજ તેઓ સવારે 10 વાગ્યે બારડોલીના બીજાપુરમાં જાહેર સભાને સંબોધન કરશે.

શા માટે આ બેઠકો પર ચૂંટણી પ્રચાર?

રાહુલ ગાંધીની વંથલીમાં ચૂંટણી સભા પાછળની કારણ બે લોકસભા બેઠકનો પ્રચાર કરવાનું છે. 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે અહીં સારો દેખાવ કર્યો હતો. અહીં લોકસભા મતક્ષેત્રમાં આવતી તમામ વિધાનસભાની બેઠકો કોંગ્રેસે જીતી લીધી હતી. જ્યારે પોરબંદરમાં 2014માં કોંગ્રેસે એનસીપી સાથે જોડાણ કર્યું હતું. જોકે, આ ચૂંટણીમાં ભાજપના વિઠ્ઠલ રાદડિયાની જીત થઈ હતી. ત્યાર બાદ 2017માં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં એક બેઠક એનસીપી અને બાકીની ચાર બેઠક પર ભાજપની જીત થઈ હતી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વોટશેરમાં વધારો થયો હતો.

2014માં બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, ત્યાર બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી. આ જ કારણે કોંગ્રેસને અહીં જીતની આશા છે. કચ્છમાં કોંગ્રેસ પાસે વિધાનસભાની મોરબી, રાપર અને અબડાસા બેઠક છે. આને લઈને તેમને જીતની આશા છે.
First published: April 18, 2019, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading