દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama 2021)પૂર્ણ થતાં મહેન્દ્રભાઈ મશરૂની આગેવાની હેઠળ સર્વોદય બ્લડ બેન્ક (Sarvoday Blood Bank) અને નેચર ક્લબ દ્વારા ગિરનાર જંગલની અંદરના ભાગે આવેલ જીણાબાવાની મઢી તથા જૈન કુવા પાસેના ત્રણ રસ્તા ઉપરના ચોકમાં પ્લાસ્ટિક સફાઈ અભિયાન (Plastic Free Forest) હાથ ધરાયું હતું. જેમાં એક કન્ટેનર ભરાય તેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને જૂનાગઢ શહેરમાં લાવીને મ્યુનિસિપલ કોર્પોરેશનને હસ્તક કરવામાં આવ્યો હતો, જે બાદ કોર્પોરેશન દ્વારા તેનો યોગ્ય નિકાલ કરાયો હતો.
આ ઝુંબેશમાં મહત્વનું પાસું એ રહ્યું હતું કે, વનવિભાગના અધિકારીઓ તથા વનકર્મીઓ તેમજ સિંચાઇ વિભાગના ઇજનેર પણ પ્લાસ્ટિક સફાઈ ઝૂંબેશમાં જોડાઈને પ્લાસ્ટિકનો ઝીણામાં ઝીણો કચરો વિણવા લાગ્યા હતા. આ ઉપરાંત સર્વોદય બ્લડ બેન્ક અને નેચર ક્લબના કાર્યકરો તથા સર્વોદય બ્લડ બેન્ક સંચાલિત મહર્ષિ દયાનંદ વ્યાયામ મંદિર અને જીમના સેવકો તથા સ્વયં સેવિકાઓ તથા બાળકોએ પણ હોંશે-હોંશે જંગલમાં પથરાયેલ પ્લાસ્ટિકનો કચરો વીણીને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
અભિયાનમાં એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય એ લેવાયો હતો કે, ઝુંબેશની શરૂઆતમાં કે ચાલુ કામગીરી વચ્ચે કોઈએ પણ ફોટોગ્રાફી નહીં કરવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. સતત પાંચ કલાક પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યા પછી ફોટોગ્રાફી કરવાની મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા છૂટ અપાઈ હતી. તેનું સારું પરિણામ એ આવ્યું હતું કે, પાંચ કલાકમાં એક કન્ટેનર જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રીત કરી શકાયો હતો.
મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરિક્રમા પૂરી થયા બાદ જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની ઝુંબેશ ચાલી રહી છે અને તેને પરિણામે જનજાગૃતિ પણ ઊભી થઈ છે. હવે અનેક મંડળો, સેવાભાવી સંસ્થાઓ, શાળાના બાળકો પણ આ ઝુંબેશમાં જોડાય છે અને વનવિભાગના માર્ગદર્શન હેઠળ જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનને સફળ બનાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં જે શાળાના બાળકો જોડાય છે, તે તમામ બાળકોને માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ જૂનાગઢના જલારામ મંદિર તરફથી મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર