જૂનાગઢ: જૂનાગઢ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની (World Disability Day) ઉજવણીના ભાગરૂપે સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક દિવ્યાંગ (Disable) લાભાર્થીઓએ હાજર રહીને, દિવ્યાંગોને સરકારી યોજના (Government Scheme) તરફથી મળતા વિવિધ લાભ વિશે માહિતી મેળવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે આજરોજ તા. 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત 50થી વધારે દિવ્યાંગ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત રહેલા તમામ લાભાર્થીઓને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એમ.રામાણી દ્વારા સમાજ સુરક્ષા ખાતા હસ્તકની જુદી-જુદી દિવ્યા કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત દિવ્યાંગોના કેટલાક પ્રશ્નોનું રૂબરૂમાં સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલ દિવ્યાંગોને UDID કાર્ડ તેમજ બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર વ્યક્તિને સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ યોજના અંગે જાગૃતિ આપતાં માહિતીપત્રકનું પણ આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને તમામ સ્ટાફગણોએ જહેમત ઉઠાવી હતી.