Home /News /kutchh-saurastra /

Navratri 2021: ગિરનાર પર બિરાજતા મા અંબા સાથે જોડાયેલી છે આ અલૌકિક કથા

Navratri 2021: ગિરનાર પર બિરાજતા મા અંબા સાથે જોડાયેલી છે આ અલૌકિક કથા

Ambaji

Ambaji on Girnar

Navratri 2021: ગિરનાર પર્વત પર 5500 પગથિયે બિરાજમાન મા અંબાજીનું મંદિર અત્યંત પૌરાણિક છે, આ પ્રસિદ્ધ મંદિર સાથે એક અલૌકિક કથા જોડાયેલી છે.

    જૂનાગઢ: આજથી શરૂ થઈ રહેલી આસો માસની નવરાત્રી (Navratri 2021) આપણે ત્યાં મહાપર્વ તરીકે ઉજવાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા જગદંબા નવદુર્ગાના નવે સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન કરી, દરરોજ એક-એક દેવીની વિશેષ મહાપૂજા કરવાનું માહાત્મ્ય છે, ત્યારે નવરાત્રિના પહેલા નોરતે આપણે ગિરનાર પર બિરાજમાન મા અંબાજીનો મંગલકારી મહિમા જાણીશું.

    વેદ અને ઉપનિષદોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે, મા આદ્યશક્તિની કુલ 52 શકિતપીઠો પૈકીની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર સ્થિત છે. અહિંયા ગિરનાર આવેલા અંબાજી મંદિરને ઉદયન શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું. જેમાં પ્રજાપતિ દક્ષે અનેક રાજાઓને આમંત્રિત કર્યા, પરંતુ પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપ્યું, ત્યારે માં સતિને આ વાતની જાણ થતાં તેઓએ શિવજીની મનાઈ હોવા છતાં દક્ષ રાજાને ત્યાં મહાયજ્ઞમાં જવા માટે હઠ પકડી.

    પોતાના પતિની થયેલી આવી નિંદા સહન ન થતાં સતીએ પોતાનો દેહ હવનકુંડમાં હોમી દીધો. આ વાતની જાણ શિવજીને થતાં તે અતિક્રોધે ભરાયા અને સતીનો દેહ પોતાના ખંભે ધારણ કરીને તાંડવ કરવાનો આરંભ કર્યો. ચારે તરફ હાહાકાર મચી ગયો, ત્યારે દેવતાઓએ ડરીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે, “હે ભગવાન, હવે તમે જ કઇંક કરો, નહિતર હવે સમગ્ર સૃષ્ટિનો નાસ થવામાં સહેજ પણ વાર નહીં લાગે.” ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડી સતીના દેહના ટુકડા કર્યા. આ ટુકડાઓ પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ.

    સતીના શરીરના જ્યારે 52 ટુકડાઓ થયા, ત્યારે તેમના શરીરઆ પેટનો ભાગ અહિયાં ગિરનાર પર્વત પર પડ્યો અને અહિયાં મા અંબિકાની ઉદયન શક્તિપીઠ રચાઇ. તળેટીથી અંદાજે 5500 પગથિયાં ચડીને જગતજનની અંબાજી માતાના મંદિરે પહોંચી શકાય છે. આ અંબાજી મંદિર સમુદ્રની સપાટીથી 3300 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. અહિયાં આપણને માતાજીના મુખારવિંદના દર્શન થાય છે. પુરાતત્વવિદોના મતાનુસાર આ મંદિર ગુપ્તકાળ દરમિયાન બંધાયેલું હોવાની માન્યતા છે.

    ગિરનાર મહાત્મ્યમાં એવું પણ વર્ણન છે કે, ભગવાન વિષ્ણુના એક અવતાર એટલે કે ભગવાન વામનજીએ અહિયાં માં અંબાની સ્તુતિ કરી હતી. વિદ્વાનો માને છે કે આ મંદિરનો જીણોદ્ધાર પંદરમી સદીમાં થયો હતો. આ મંદિરને લોકો ગિરનારી માતાના મંદિર તરીકે પણ ઓળખે છે. ખાસ કરીને જૈનો, શૈવો અને વૈષ્ણવો અંબાજી માતા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

    અહિયાં દર વર્ષે પોષી પૂનમના દિવસે માં અંબાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ વેળાએ માતાજીને સુંદર શણગાર કરવામાં આવે છે તથા હોમ-હવન, શ્રી-સૂક્તના પાઠ દ્વારા માતાજીની પૂજા આરાધના કરવામાં આવે છે તેમજ મંદિરનું ધ્વજારોહણ પણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન નવરાત્રિ, હર એક માસની પૂનમ ભરવા યાત્રીઓ હોંશે હોંશે દોડી આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Girnar, Navratri, Navratri 2021, અંબાજી મંદિર

    આગામી સમાચાર