Home /News /kutchh-saurastra /પ્રકૃતિપ્રેમીઓએ શ્રમદાન કરી ચેકડેમ રિપેર કર્યો; લાખો લિટર પાણી સંગ્રહાશે 

પ્રકૃતિપ્રેમીઓએ શ્રમદાન કરી ચેકડેમ રિપેર કર્યો; લાખો લિટર પાણી સંગ્રહાશે 

યુવાનોનું પ્રેરણાદાયી કાર્ય

વસુંધરા નેચર ક્લબનાં સભ્યોએ પર્યાવરણ દિવસના રોજ ભેગા મળી આ ચેકડેમને રિપેર કરવાનું શરૂ કર્યુ હતું.

જૂનાગઢનાં પ્રકૃતિપ્રેમી યુવાનોએ  માત્ર વાતો કરવાને બદલે કુદરતને બચાવવાનું નક્કર કામ કરી એક નવો દાખલો બેસાડ્યો અને ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય પાસે આવેલા ચેકડેમને શ્રમદાન કરી રિપેર કર્યો.

જૂનાગઢમાં ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્યની નજીક લાલઢોરી વિસ્તારમાં વર્ષો પહેલા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પણ છેલ્લા થોડા વર્ષોથી આ ચેકડેમનાં તળીયાંમાં ગાબડા પડતાં તેનું પાણી વહી જતું હતું અને ચેકડેમનું ધોવાણ થતું હતું.

વન્યપ્રાણી અભ્યારણ્યની નજીક હોવાનાં કારણે આ ચેકડેમ સિંહ, દિપડા, હરણ અને મગર માટે પાણીનો મહત્વનો સ્ત્રોત પણ હતો.

આ ચેકડેમ રિપેર થતા અંદાજિત 40 લાખ લિટર પાણીનો સંગ્રહ થશે.


વસુંધરા નેચર ક્લબનાં સભ્યોએ આ વર્ષે પાંચમી જૂન (પર્યાવરણ દિવસ)ના રોજ ભેગા મળી આ ચેકડેમને રિપેર કરવાનું શરૂ કર્યુ.

“ચેકડેમ રિપેર કરવામાં 20 જેટલા લોકો જોડાયા અને સૌએ શ્રમદાન કર્યુ. કેટલાક લોકોએ આ કામથી પ્રેરાઇને નાણાકીય ટેકો આપ્યો અને દસ દિવસમાં સફળતાપૂર્વક કામ પાર પાડ્યું. ચેકડેમની અંદરના ભાગે નીચે ભંગાણ થયું હતું અને પાણી વહી જતું હતુ. અમે આરસીસી વર્ક કરી છ ફૂટ ઉંડો ખાડો કરી તે ગાબડુ પુર્યુ અને તેના પાછળનાં ભાગે વરસાદી પાણીનો ધોધ ધીમો પડે તે માટે એક પાળા ચણ્યો જે પ્રોટેક્શન વોલ બની જશે. અમારી ધારણા છે કે, આ વર્ષે ચેકડેમ મૂળ પાણી સંગ્રહ ક્ષમતા મુજબ પાણી ભરાશે અને વન્યપ્રાણી માટે તો આશિર્વાદ બનશે જ, પણ વરસાદી પાણીનો સંગ્રહ થશે અને તળમાં ઉતરશે,” વસુંધરા નેચર ક્લબનાં પ્રણવ વઘાસિયાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.

પ્રોટેક્શન વોલ પણ બનાવી.


તેમણે વધુમાં જણાવ્યું કે, એક અંદાજ મુજબ, આ ચેકડેમમાં 40 લાખ લિટરથી વધુ પાણી સંગ્રહ થશે.  આ શ્રમદાન કાર્યમાં શિક્ષકો, ડોક્ટરો તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. સૌ લોકો તેમની આસપાસ આવેલા ચેકડેમો, તળાવોને આવી રીતે સાચવે તો વરસાદી પાણી સંગ્રહ ક્ષેત્રે મોટુ કામ થઇ શકે”.
First published:

Tags: Inspiration, Water conservation, Wildlife, જૂનાગઢ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો