જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં આજરોજ તા.8મી નવેમ્બરના રોજ બપોરે 2.36 વાગ્યાની આસપાસ એક જોરદાર ભેદી ધડાકો થયો. જે માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ આજુબાજુના અનેક ગ્રામ્ય વિસ્તારમાં સંભળાયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં બપોરના સમયે અચાનક થયેલ આ ભેદી ધડાકાથી શહેરીજનોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. કેટલાંક લોકોએ આ ધડાકાને ભૂકંપનું નામ આપ્યું છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સ્પષ્ટ કરવામાં આવી નથી.
જૂનાગઢ શહેરમાં આ અગાઉ પણ અનેકવાર આવા ભેદી ધડાકા સાંભળવામાં આવ્યા છે, ત્યારે આજરોજ તા.8મી નવેમ્બરના રોજ થયેલ ભેદી ધડાકાએ ફરી એકવાર સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કેટલાક શહેરીજનોના કહેવા પ્રમાણે અમુક ક્ષણ માટે ઘરના બારી-દરવાજામાં પણ ધ્રુજારી આવી હતી. જ્યારે જોશીપરા વિસ્તારમાં આવેલ શ્રીરામ મંદિરની દીવાલમાં તિરાડો પડી હોવાના અહેવાલ પણ મળ્યાં છે. બપોરના સમયે આવેલા આ ધડાકાનો અવાજ એટલો બુલંદ હતો કે, જૂનાગઢ શહેરની સાથોસાથ આજુબાજુના અનેક ગામોમાં તેનો અવાજ સંભળાયો હતો. લોકો એટલા બધા ગભરાય ગયાં કે, ભયના લીધે ઘરની બહાર નીકળી ગયાં હતાં. વહીવટી તંત્ર દ્વારા આ ભેદી ધડાકા અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.
જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મેયરની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન થયું:
જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મેયરની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન થયું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી. સાથોસાથ મહાનગરપાલિકામાં કાર્ય કરતાં કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
સ્નેહમિલનમાં હાજર રહેલા સર્વેએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ મીઠાઈઓ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.