જૂનાગઢ: સમગ્ર ગુજરાત રાજ્ય સહિત જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ઠંડીનું પ્રમાણે દિવસે-દિવસે (Winter 2021) વધી રહ્યું છે, ત્યારે વહેલી સવારે મોર્નિંગ વોક (Morning Walk) તેમજ શારીરિક કસરતો (Exercise) માટે નીકળતાં લોકોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને, જૂનાગઢ શહેરમાં આવેલા અખૂટ હરિયાળીથી ભરેલાં મોતીબાગ ગાર્ડનમાં (Motibaug) લોકો સવારથી જ વોકિંગ અને એક્સરસાઇઝ માટે ઉમટી પડે છે.
શિયાળાની ઋતુને સ્વાસ્થ્યવર્ધક ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે શિયાળાની શરૂઆતથી જ કસરત અને વિવિધ પ્રકારના વ્યાયામ સાથે જોડાઈને લોકો આખા વર્ષની સ્ફૂર્તિ જમા કરી લેતાં હોય છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ મોતીબાગ ગાર્ડન એક્સરસાઇઝ અને વોકિંગ માટેનું મહત્વનું સ્થળ ગણાય છે. શહેરમાં ભલે ગમે તેટલા વાગ્યે સવાર પડે, પણ મોતીબાગમાં સવારે 4 વાગ્યાથી દિવસની શરૂઆત થઈ જાય છે. વહેલી સવારથી જ લોકો અહીં કસરત, રનિંગ, વોકિંગ, યોગા અને વ્યાયામ માટે આવી જાય છે.
કસરત, યોગા અને વ્યાયામ માટે જૂનાગઢવાસીઓ મોતીબાગને શા માટે પસંદ કરે છે?
જૂનાગઢવાસીઓ માટે મોતીબાગ ગાર્ડન; કસરત, યોગા અને વ્યાયામનું હબ કહીએ તો પણ ખોટું નથી! અહીં ચારેતરફ ફેલાયેલી અફાટ હરિયાળી, શાંત અને શુદ્ધ વાતાવરણ, પક્ષીઓનો કલરવ, હરિયાળા મેદાનો, લોન ગાર્ડન, પાક્કા રસ્તા વગેરે વોકર્સ, વ્યાયામવીર અને જોગર્સોને મોતીબાગના પ્રેમમાં પાડી દે, તેવું છે! લોકો અહીંયા વિના રોકટોકે, શાંતિભર્યા વાતાવરણમાં અને ખુલ્લી જગ્યામાં વ્યાયામ, યોગા તથા વિવિધ કસરતો કરતાં હોય છે. જેમાં નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ વડીલો પણ સામેલ હોય છે.
મોતીબાગ ગાર્ડનમાં મોર્નિંગ વોક અને સાયકલિંગ માટે આવતાં યુવક-યુવતીઓની સંખ્યામાં થયેલ વધારો જોતાં એવું ચોક્કસથી કહેવાય કે, આજકાલ યુવાનોમાં પણ ફિટનેસને લઈને મોટી જાગૃતતા આવી છે. મોતીબાગમાં વડીલોને કસરત કરતાં જોઈ, યુવાનો તેમની પાસેથી પ્રેરણા મેળવે છે અને નિયમિતપણે કસરત માટે આવે છે. મોતીબાગ ગાર્ડનમાં જૂનાગઢના યોગગુરુઓ દ્વારા અવારનવાર યોગ શિબિરનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાઈ રહ્યાં છે.
નિયમિતપણે કસરત કરવાથી તન અને મન બંને તંદુરસ્ત રહે છે. નિયમિત વોકિંગ કરનારા લોકોના આયુષ્યમાં 1.3 વર્ષનો વધારો થાય છે. હૃદય હુમલાની શક્યતાઓ નહિવત થાય છે. અનિદ્રાનો ભોગ બનતાં નથી. બ્લડપ્રેશર કાબુમાં રહે છે, સાથે કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો થાય છે. નિયમિતપણે વ્યાયામ કરવાથી માંસપેશીઓ અને હાડકામાં પણ મજબૂતી આવે છે.