Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: પુંજાભાઈ વંશ Vs રાજેશ ચુડાસમા, કોણ-કોને હંફાવશે?

જૂનાગઢ: પુંજાભાઈ વંશ Vs રાજેશ ચુડાસમા, કોણ-કોને હંફાવશે?

જુનાગઢ લોકસભા બેઠક

રિપીટ થયેલા ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ દ્વારા પણ કોળી નેતા અને ઉનાના સક્રિય ધારાસભ્ય પુંજાભાઈ વંશ વચ્ચે અહીં ટક્કર છે.

  રાજકીય કાવાદાવા વચ્ચે ઘેરાયેલી રહેલી જૂનાગઢની સોરઠ ભૂમિને તેની ક્ષમતાનાં પ્રમાણમાં વિશ્વ ફલક ઉપર જોઈએ એવું સ્થાન અપાવવામાં સ્થાનિકથી માંડીને દિલ્હી સુધીની નેતાગીરી નિષ્ફળ રહી છે. જૂનાગઢ માત્ર એક પ્રવાસન સ્થળ તરીકે જ રહ્યું છે; તો સોમનાથ ફકત યાત્રાધામ પૂરતું મર્યાદિત રહી ગયું છે. જૂનાગઢ અને સોમનાથ જિલ્લાનાં ભાગલા પડયા બાદ વહીવટી સુવિધાઓ પણ વધવાનાં બદલે ઘટી ગયાનું લોકો અનુભવી રહયા છે.

  જૂનાગઢની લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ‘કાંટે કી ટક્કર’ થવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે. જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના એમ સાત વિધાનસભા બેઠકો સમાવિષ્ટ છે અને આ તમામ બેઠકો ઉપર 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા રહ્યું છે. આ અગાઉ અહીં લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ હતું, પરંતુ નવા સિમાંકન બાદ કોળી સમાજ સૌથી અગ્રેસર છે.

  જૂનાગઢ લોકસભા બેઠક વર્ષ ૧૯૯૧થી ભાજપનો ગઢ બની થઈ છે. જો કે ર૦૦૪માં કોંગ્રેસ જીતવામાં સફળ રહ્યું હતું. વળી, આ વખતે પણ ભાજપ સામે કોળી, કારડીયા અને આહીર સમાજમાં રોષ ફેલાયો છે, જે ઉમેદવારને ભારે પડી શકે તેમ છે.

  શું છે મુખ્ય સમસ્યાઓ?

  જૂનાગઢ મહાનગર વિસ્તારમાં રેલવે ફાટકનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન છે. આ રેલવે ફાટકો દૂર કરવા માગણી થાય છે પરંતુ તે દિશામાં સર્વે થયા બાદ ઓવરબ્રીજ અને અન્ડર બ્રીજ કરવાની ભલામણ થઇ છે અને બજેટમાં જાહેરાત પણ થઇ છે. પરંતુ તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ નથી.

  જૂનાગઢના ગિરનાર જંગલમાં સિંહ દર્શન શરૂ કરવા જાહેરાત પણ કંઇ થયું નથી. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી પૂર્વે વડાપ્રધાને ચૂંટણી પ્રચાર રેલીમાં રોપ-વે ૯ નવે. ૨૦૧૮ થી શરૂ થઇ જશે તેવી જાહેરાત કરી હતી. હાલ રોપ - વેનું કામ ચાલુ છે પરંતુ વડાપ્રધાને કરેલી જાહેરાત મુજબ રોપ-વે શરૂ થયો નથી.

  કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને લાભ થાય તે માટે મેંગો પ્રોસેસ પ્લાન્ટની જાહેરાત થઇ હતી. તે પણ માત્ર જાહેરાત જ રહી. માંગરોળ વિસ્તારમાં નાળીયેરીનું ઉત્પાદન થાય છે. આથી આ વિસ્તારમાં કોકોનટ બોર્ડ શરૂ કરવા જાહેરાત થઇ હતી પરંતુ તેમાં પણ કંઇ થયુ નથી. સોમનાથથી હરિદ્વાર અને લાંબા અંતરને જોડતી ટ્રેન શરૂ કરવાની માંગણી લાંબા સમયથી થાય છે. પરંતુ તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ નથી.

  જૂનાગઢ મનપા વિસ્તારમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું પી.એમ.ના હસ્તે શિલારોપણ પણ ગયું છતાં કોઇ કામ થયું નથી. જૂનાગઢના નવા ભળેલા વિસ્તારોમાં પાણી યોજનાનું કામ વર્ષોથી અધુરૂં છે. માંગરોળ બંદર વિસ્તારમાં ડ્રેજીંગ કરવા વાતો થઇ પરંતુ કંઇ ન થયું.

  કેશોદ એરપોર્ટ ફરી ચાલુ કરવાની જાહેરાત થઇ પરંતુ હજુ સુધી એરપોર્ટ પર ફલાઇટની આવન - જાવન શરૂ નથી થઇ. ગિરનારના વિકાસની જાહેરાત થઇ પરંતુ તે પણ અધ્ધરતાલ જ છે. સૌની યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના ડેમ ભરવાની જાહેરાત થઇ હતી. જેનું કામ હજુ સુધી પુરૂં થયું નથી.

  જૂનાગઢ GIDCમા આવેલા લઘુઉદ્યોગો હાલ મૃતઃ પ્રાય હાલતમાં છે. તેને મદદરૂપ થવાની માંગણીઓ થઇ છે. પરંતુ કોઇ પરિણામલક્ષી કામગીરી થઇ નથી. ગીર જંગલ આસપાસ વનતંત્રના જડ નિયમોના લીધે ખેડૂતોને હાલાકી પડે છે. પરંતુ ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી.  જાતિગત સમીકરણો:

  આ બેઠક ઉપર કોળી અને લેઉવા પાટીદારો પ્રભાવી છે. આહીર, કારડીયા, મુસ્લિમ અને દલિત મતદાતાઓ પણ વસતીને જોતા 'ગેમ ચેન્જર' બની શકે તેમ છે

  સાંસદનું રિપોર્ટ કાર્ડ :

  જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સંસદમાં ૭૩ ટકા હાજરી આપી છે અને ૭ ચર્ચામાં ભાગ લીધો છે. તથા ૫૪૯ સવાલ ઉઠાવ્યા છે. પ્રાઇવેટ બીલ રજૂ કર્યું નથી. જૂનાગઢના રોપ - વે પ્રશ્ને તથા વેરાવળ - ઇન્દોર મહામના ટ્રેને જૂનાગઢ સ્ટોપ બાબતે પરિણામલક્ષી કામગીરી કરી હતી.જિલ્લામાં તેમની હાજરીને લઇને પણ પ્રજાજનોમાં અસંતોષ છે.

  કોની વચ્ચે છે જંગ?

  ભારે મથામણ બાદ પુનઃ રિપીટ થયેલા ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ દ્વારા પણ કોળી નેતા અને ઉનાના સક્રિય ધારાસભ્ય પુંજાભાઈ વંશ વચ્ચે અહીં ટક્કર છે.

  અનુમાન :

  બંને કોળી ઉમેદવારો છે. ભાજપ પ્રત્યેનાં પાટીદારોના રોષનો લાભ કોંગ્રેસને મળી શકે. વળી, છેલ્લી ઘડીએ તાલાલા બેઠક ઉપરથી કારડીયા ઉમેદવારને ટિકિટ મળવાનું ગાજર સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે નિષ્ફળ રહેતા કરાડીયામાં અસંતોષ પ્રવર્તે છે. આહીર મતદાતાઓ પણ તાલાલાનાં આહીર ધારાસભ્ય ભગવાન બારડ સામે થયેલા વ્યવહાર બાદલ ભારે રોષમાં છે. આ તમામ સ્થિતિઓ ભાજપને ભારે પડી શકે તેમ છે. મુદ્દે આ બેઠક જીતવી ભાજપ માટે દેખાય છે તેટલી સરળ નથી!
  Published by:kiran mehta
  First published:

  Tags: BJP Vs Congress, Junagadh lok sabha constituency, Junagadh lok sabha seat, Junagadh So6p13, Junagadh tought fight, Lok sabha election 2019, Punjabhai vansh, Punjabhai Vansh Vs Rajeshbhai Chudasma, Rajeshbhai Chudasma, કોંગ્રેસ, જૂનાગઢ લોકસભા બેઠક, જૂનાગઢનો ચૂંટણી જંગ, પુંજાભાઈ વંશ, બીજેપી, ભાજપ, રાજેશભાઈ ચુડાસમા, લોકસભા ચૂંટણી 2019

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन