Home /News /kutchh-saurastra /

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢનો યુવાન અમિત રાઠોડ પ્રથમ વિજેતા

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢનો યુવાન અમિત રાઠોડ પ્રથમ વિજેતા

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા રવિવારે સવારે યોજાઇ હતી

૩૪મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોણ સ્પર્ધામાં ૨૦ જિલ્લાના ૧૩૦૩ ભાઇ બહેનોએ તેમની એન્ટ્રી નોંધાવી હતી

    રાજ્ય સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૩૪મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢનાં ૨૧ વર્ષીય યુવાન અમિત રાઠોડે ૫૮ મિનીટ અને ૧૬ સેકન્ડમાં અંબાજી શિખર થઇ નીચે ઉતરી જઇ સીનીયર ભાઇઓના વિભાગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

    જયારે જૂનીયર ભાઇઓમાં જૂનાગઢના પરમાર લાલા ચિમનભાઇએ ૬૧મીનીટ ૪૩ સેકન્ડમાં તથા માળી પરબ સુધી જવાના બહેનોનાં સીનીયર વિભાગમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂત ભૂમિકાબેન દુર્લભજીભાઇએ ૪૪ મીનીટ ૮ સેકન્ડ અને જુનીયર વિભાગમાં કેશોદના ખીરસરા ગામના સાયરા ઇબ્રાહિમભાઇ કથુરીયાએ પણ ૪૦ મિનિટ ૧૦ સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ વિજેતાનું બિરૂદ મેળવ્યું હતું.

    ૩૪મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોણ સ્પર્ધામાં ૨૦ જિલ્લાના ૧૩૦૩ ભાઇ બહેનોએ તેમની એન્ટ્રી નોંધાવી હતી.જેમાં આજે ભાઇઓના વિભાગમાં ૭૪૦ અને ૨૪૦ બહેનો મળી કુલ ૯૮૦ સ્પર્ધકો જોડાયા હતા. જેમાંથી ૧૯૬ બહેનોએ નિર્ધારીત દોઢ કલાક અને ૫૧૮ ભાઇઓએ નિર્ધારીત બે કલાકમાં સ્પર્ધા પુર્ણ કરી હતી.

    ભાઇઓના વિભાગની દસ સભ્યોની ટીમોને સવારે ૭ કલાકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી અને મ્યુનિસિપલ કમિશનર પ્રકાશ સોલંકી તેમજ ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી હતી.



    બપોરે મંગલનાથજીની જગ્યામાં યોજાયેલા ઇનામ વિતરણ સમારંભમાં ચારેય વિભાગના પ્રથમ દશ એમ ૪૦ વિજેતાઓને રૂ.૧.૬૬ લાખના રોકડ ઇનામ અને ટ્રોફી મહાનુભાવોના હસ્તે ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાના અધ્યક્ષસ્થાને એનાયત કરવામાં આવ્યા હતા.

    રાજય સરકાર દ્વારા રૂ.૬૬૦૦૦, મહાનગર પાલિકા દ્વારા રૂ.૧ લાખના ઉપરાંત ધારાસભ્ય જવાહભાઇ ચાવડા દ્વારા કુલ રૂ. ૨૬૮૦૦ના પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવ્યા હતા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Competition, Girnar, Wildlife, જૂનાગઢ, સ્પોર્ટસ

    આગામી સમાચાર