Home /News /kutchh-saurastra /ત્રિનેત્રેશ્વર મહાદેવ : બલીરાજાએ જે શિવલિંગ પર માથા પછાડ્યા હતાં, એ પૌરાણિક શિવલિંગ

ત્રિનેત્રેશ્વર મહાદેવ : બલીરાજાએ જે શિવલિંગ પર માથા પછાડ્યા હતાં, એ પૌરાણિક શિવલિંગ

Junagadh

Junagadh Shivalay Trineshwar Mahadev : જૂનાગઢ નજીક આવેલ કોયલી ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવનું સુંદર અને કલાત્મક શિવાલય આવેલુ છે, જેને કોયલી મઠ તરીકે પણ ઓળખાય છે, ત્યારે આવો જાણીએ તેનો ઈતિહાસ

Junagadh Shivalay Trineshwar Mahadev : જૂનાગઢ નજીક આવેલ કોયલી ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવનું સુંદર અને કલાત્મક શિવાલય આવેલુ છે, જેને કોયલી મઠ તરીકે પણ ઓળખાય છે, ત્યારે આવો જાણીએ તેનો ઈતિહાસ

  ચોતરફ લીલી વનરાઈથી બારરમાસ ખુશનુમા રહેતા વાતાવરણ વચ્ચે જ્યાં શાંતિની અનુભૂતિ થાય એવાં ઉબેણ નદીના કાંઠે દેવાધિદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું આશરે ત્રણ સૈકા પુરાણું સુંદર અને કલાત્મક મંદિર આવેલું છે, જેમાં ત્રિનેત્રેશ્વર મહાદેવજી બિરાજમાન છે.

  ત્રિનેત્રેશ્વર મહાદેવનો ઇતિહાસ:

  પુરાણોમાં વર્ણવાયેલા વામનસ્થળી એટલે કે વંથલીમાં બલીરાજાએ મોટો યજ્ઞ કરેલો, એ યજ્ઞમાં શિવજીને પ્રત્યક્ષ રાખવા બલીરાજાએ કાશીમાં જઈને કઠિન તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા. એ સમયે શિવજીએ પ્રત્યક્ષ આવવાનું ન સ્વીકારતા લિંગ સ્વરૂપે સ્થાપના કરો જેથી હું ત્યાં પ્રત્યક્ષ હોઈશ એવું વરદાન આપતાં બલીરાજાના હાથમાં લિંગસ્વરૂપ આપ્યું અને મહાદેવજીએ કહ્યું કે, અહીંથી મારા લિંગને લઈ ગયાં પછી, રસ્તામાં જ્યાં નીચે ઉતારશો ત્યાં હું સ્થાપિત થઈ જઈશ.

  બલિરાજા લિંગને લઈને ચાલવા લાગ્યા, માર્ગમાં સુંદર નદીનો કાંઠો અને ઘાટી વનરાઈ આવી. આ અલૌકિક જગ્યા જોઈને શિવજીને અહીં સ્થાપિત થવાની ઈચ્છા થઈ, જેથી શિવજીની પ્રેરણાથી બલીરાજાને અહીં શૌર્યકર્મ કરવાની ઈચ્છા થઈ અને ભૂલથી લિંગ નીચે મુકાઈ ગયું. શિવજીએ કહ્યાં મુજબ તેઓ અહીં સ્થાપિત થઈ ગયાં, બલીરાજાએ આગળ આવવા ખૂબ વિનંતી પણ કરી અને બલીરાજાએ લિંગમાં માથા પણ પછાડ્યા, પરંતુ શિવજી અહીં કાયમ માટે બેસી ગયાં.

  જેને કારણે આજે પણ ત્રિનેત્રેશ્વર મહાદેવના શિવલિંગનો થોડો ભાગ ખંડિત જોવા મળે છે, જેનો ઉલ્લેખ આપણને વામનપુરાણમાં જોવા મળે છે. આમ, હાલમાં જે લિંગ અહીં બિરાજમાન છે, તે બલીરાજાએ સ્થાપિત કર્યું હતું, તેવું કહેવાય છે.

  ગાયકવાડ સરકારે આ સુંદર અને કલાત્મક મંદિર બંધાવી આપ્યું

  એ સમયની વાત છે, જ્યારે જૂનાગઢ પર નવાબી શાસન ચાલતું. એક યુવક સંસારની માયા ઉતારી ફરતો-ફરતો ઉબેણ નદીના કાંઠે અખંડ વહેતો પ્રવાહ અને લીલી વનરાઈ વચ્ચે આવી પહોંચ્યો, ત્યારે તેણે અહીં ધુણો ધખાવી સાધના શરૂ કરી. આ યુવક એટલે ગોપાલરાવ, જે ગાયકવાડ સરકારના ભાણેજ થાય.

  ગાયકવાડ સરકારને આ જાણ થતાં તેઓએ ગોપાલરાવને શોધવા સૈનિકો રવાના કર્યા, ગોપાલરાવની ભાળ મળી. સૈનિકોએ પાછા ફરી સરકારને બધી હકીકત જણાવી, ત્યારે ગાયકવાડ સરકારને થયું, તપ કરવું હોય તો ભલે કરે, પણ થોડી સગવડ મળી રહે તો સારું! ત્યારે તેઓએ જૂનાગઢ નવાબ પાસેથી કોયલી તેમજ ડુંગરી ગામ વેંચાતું લઈને સ્વખર્ચે અહીં સુંદર અને કલાત્મક મંદિર બંધાવી આપ્યું અને કોયલી મઠની સ્થાપના થઈ. જે પછી ગોપાલરાવની તપસ્યા શરૂ થઈ અને તેઓએ ગોપાલગીરી નામ ધારણ કર્યું.

  ટેક માટે 21 સાધુઓએ પોતાના જીવન બલિદાન આપ્યાં

  ગોપાલગીરી પછી તેરમી પેઢીએ મહંત તરીકે કૃપાલગિરિજીએ આ મઠની ગાદી સંભાળી. એ વખતે જૂનાગઢ ઉપર ચાલતા નવાબ બહાદુરખાનજીના સમયમાં રાજ્યમાં ભારે ખટપટ ચાલતી. રાજ્યના બે મુખ્ય અધિકારીઓ અમરજી રુદ્રજી અને મૂળચંદ હેમતરામે પોતાના હામી તરીકે કૃપાલગિરિજીને નીમ્યા. એવામાં સુંદરજી શિવજી નામના એક હરીફ અધિકારીની સલાહ માની, નવાબે અમરજી રુદ્રજી અને મૂળચંદ હેમતરામને જેલમાં નાંખ્યા. જે વાતની જાણ થતાં કૃપાલગિરિજીએ જૂનાગઢની વાટ પકડી, નવાબને મળ્યાં અને કહ્યું કે, નવાબ સાહેબ આપની બાંહેધરી મળ્યાં પછી જ હું અમરજી અને મૂળચંદનો હામી બન્યો અને તમે મારા હામીપણાની આ કિંમત આપી? ત્યારે નવાબે તેમની વાતની અવગણના કરી, જેથી કૃપાલગિરિજી સ્તબ્ધ થઈને કોયલી રવાના થયાં.

  મઠમાં ભક્તોને ભેગાં કર્યા, વચન ખાતર તેઓએ નવાબના મહેલ સામે ધરણા કરવાનું નક્કી કર્યું. વંથલી દરવાજા પાસે 21 સાધુઓએ અનશન શરૂ કર્યા. અઢાર દિવસ વીત્યા પછી, નવાબે બે સરદારોને સમજૂતિ માટે મોકલ્યા, પણ સાધુઓ ટેકને ખાતર એકના બે ન થયાં. નવાબે ઉશ્કેરાઈને સાધુઓની કતલ કરવાનો આદેશ આપ્યો. સૈનિકો તૂટી પડ્યા અને અનશન પર બેઠેલાં કૃપાલગીરીજી સહિત બીજા 20 સાધુઓની હત્યા કરવામાં આવી. જે પછી ધંધુસરના મહેર કોમના યુવાનોએ મૃતદેહોને કોયલી ગામે લઈ જઈ સમાધી કરી, આજે પણ એ સમાધિનો ઓટો અહીં હૈયાત છે.

  જે પછી નવાબને ભારે પસ્તાવો થયો, ત્યારે તેમણે બોડકા અને રંગપુર ગામ કોયલી મઠને અર્પણ કર્યા. ત્યાર પછી ઉત્તરોત્તર મહંતો અહીંની ગાદી પર આવતાં ગયાં.

  મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય તેવી જગ્યા

  કોયલી મઠ આધ્યાત્મિક અને ઐતિહાસિકતાની દ્રષ્ટિએ મહત્વનો છે જ, પરંતુ અહીંનું કુદરતી સૌંદર્ય ખુબજ જોવાલાયક છે. મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકસે તો અહીં આવતા પ્રવાસીઓને તમામ સવલતો મળી રહે તેમ છે. અહીં તમે વિવાહ જેવા પારિવારિક શુભ પ્રસંગોનું પણ સુંદર આયોજન કરી શકો, તેવી વ્યવસ્થા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Trineshwar Mahadev, જૂનાગઢ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन