આપને ત્યાં ગૌમાતાને લીલું ઘાસ, શ્વાનોને રોટલા, કીડીઓનું કીડિયારું પૂરવું અને પક્ષીઓને ચણ નાખવાનું વિશેષ મહત્વ છે. અનેક લોકો નિયમિત રીતે આવી સેવા પ્રવૃતિ કરતાં હોય છે, પણ જૂનાગઢમાં એક જગ્યા એવી છે જ્યાં પક્ષીઓને રોજની અંદાજે 500 કિલોગ્રામથી વધારે ચણ નાખવામાં આવે છે.
જૂનાગઢના દીવાન ચોકથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! જ્યાં નજીકમાં જ આવેલ જનતા ચોક ખાતે દરબાર હૉલ મ્યુઝિયમની સામે પક્ષીઓને ચણ નાખવાનું ભગીરથ કાર્ય અવિરતપણે ચાલુ છે. શાંતિદૂત મંડળ દ્વારા જનતા ચોકમાં થતાં આ સેવાકાર્યમાં દરરોજ 500 કિલોગ્રામથી વધારે ચણ નાખવામાં આવે છે.
શાંતિદૂત મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી આ સેવાકાર્ય નિઃસ્વાર્થ ભાવે થઈ રહ્યું છે. શાંતિદૂત મંડળના જીતુભાઈ કંસારા, મુકેશભાઇ ચંદારાણા, મુકેશભાઇ ખીરૈયા સહિતના મંડળ સેવકો સહિત આ સેવાકીય પ્રવૃતિમાં મહેન્દ્રભાઈ મશરૂ, ગિરીશભાઈ કોટેચા, હિતેશભાઈ સંઘવી જેવા અનેક આગેવાનો તથા જૂનાગઢવાસીઓનો અનેરો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. દરરોજ અહીં હજ્જારોની સંખ્યામાં કબૂતર સુખપૂર્વક ચણીને પોતાની ક્ષુધા શાંત કરે છે. અહીં પક્ષીઓને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
આ અંગે વિશેષ વાત કરતાં શાંતિદૂત મંડળના જીતુભાઈ કંસારાએ વાત કરતાં જણાવ્યું કે, તેઓ દ્વારા છેલ્લા 20 વર્ષથી બારેમાસ આ સેવાકીય પ્રવૃતિ અવિરતપણે ચાલુ છે. જેમાં વર્ષ દરમિયાન અંદાજે સાત થી આઠ લાખ રૂપિયાની ચણ પક્ષીઓને માટે નાખવામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં દરરોજની અંદાજે 500 કિલોથી વધુ ચણ પક્ષીઓ ચણી જાય છે, માટે ચોમાસામાં પક્ષીઓને વધુ ચણ નાખવામાં આવે છે.
દરરોજ સવારે 6:30 વાગ્યા થી 9 વાગ્યા સુધી અહીં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. જે લોકો આ સેવાકીય પ્રવૃતિમાં આર્થિક સહયોગ કરવા ઇચ્છતા હોય તે જનતા ચોકમાં રૂબરૂ આવી શાંતિદૂત મંડળનો સંપર્ક કરી શકે છે.