ચોમાસાની શરૂઆત થતાં જ જૂનાગઢના નરસિંહ તળાવમાં ગાંડી વેલ ઊગી નીકળવાની શરૂઆત થઈ જાય! જેનો વ્યાપ એટલો બધો વધે કે માત્ર એક થી બે દિવસમાં અડધા તળાવને સહેલાઈથી ઢાંકી દે છે, ત્યારે ગત દિવસોમાં વરસાદ પડતાં જ જૂનાગઢ મધ્યે આવેલ નરસિંહ સરોવરમાં ગાંડી વેલનું જોર વધ્યું છે.
જેના કારણે તળાવમાંથી ગાંડી વેલને સાફ કરવા માટે સફાઇ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ મ્યુનિશિપલ કોર્પોરેશન ના 8 થી 10 સફાઇ કર્મચારીઓ આ કામમાં લાગેલા છે. ગાંડી વેલના સફાઇ અભિયાન દરમિયાન વેલની સાથોસાથ બીજો અન્ય કચરો પણ મોટા પ્રમાણમાં નીકળી રહ્યો છે. જેમાં મોટાભાગનો પ્લાસ્ટિકનો કચરો જોવા મળે છે. અહીં ખાસ કરીને સાંજના સમયે તળાવની પાળી પર બેસવા આવતા લોકો નાસ્તો કર્યા બાદ ખાલી થયેલ ફૂડ પેકેટને તળાવમાં નાખે છે, જેથી તળાવનું પાણી વધુ દૂષિત થઈ રહ્યું છે.
માત્ર એક સારા વરસાદથી તળાવમાં ગાંડી વેલનું જોર વધવાનું શરૂ થયું છે. સ્થાનિક લોકોના કહેવાય મુજબ તળાવમાં ગટરનું દૂષિત પાણી ભળવાને લીધે ગાંડી વેલનો ઉપદ્રવ વધતો રહે છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના 8 થી 10 કર્મચારી દિવસભર આ દૂષિત અને દુર્ગંધ મારતા પાણી વચ્ચે રહીને ગાંડી વેલને સાફ કરવાની કામગીરી કરી રહ્યા છે. એક દિવસમાં અંદાજિત પાંચથી વધુ ટ્રેક્ટર ભરાઈ એટલી વેલ કાઢીને તેમનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
જે અનુસંધાને વાત કરતાં જૂનાગઢના જીવદયા પ્રેમી ગ્રૂપના હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું કે, જૂનાગઢમાં આવેલ નરસિંહ તળાવમાં ગાંડી વેલ ઊગી નીકળવાની સમસ્યા વર્ષો જૂની છે! જેના કાયમી નિકાલ માટે હજુ કોઈ સાર્થક ઉપાય થયો નથી, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા નરસિંહ સરોવરના બ્યુટીફીકેશન ને લઈને અનેક વખય યોજનાઓ મંજૂર કરવામાં આવી, પરંતુ તે યોજના માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે! જો જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે આ તળાવના બ્યુટીફીકેશન ની કામગીરી હાથ ધરવામાં આવે તો તળાવની સુંદરતા અને સુવિધામાં પણ વધારો થાય અને ગાંડી વેલ જેવી સમસ્યામાંથી આ તળાવને કાયમી માટે મુક્તિ મળી શકે!