જૂનાગઢના માસ્ટર્સ ખેલાડીઓએ (Masters Player) રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં (National Championship) 10 જેટલાં મેડલ પોતાને નામ કરીને, જૂનાગઢ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ગુજરાત (Gujarat) ઘણાં વર્ષોથી ભાગ લઈ રહ્યું છે, સાથોસાથ નોંધનીય સિદ્ધિ પણ હાંસલ કરી રહ્યું છે. આ વર્ષે ગુજરાત રાજ્યના માસ્ટર્સ ખેલાડીઓએ 52 જેટલા મેડલ જીત્યાં છે, જેમાંથી 10 મેડલ જૂનાગઢના ખેલાડીઓએ જીત્યાં છે.
ગત નવેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં વારાણસી ખાતે યોજાયેલ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં જૂનાગઢના ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કરી, નોંધનીય સિદ્ધિ મેળવી છે. જેમાં કિરણબેન રાવલે 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 1500 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. જ્યારે કિરીટભાઈ રૂપરેલીયાએ 71 વર્ષની ઉંમરે 5000 મીટરની દોડમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.
આ ઉપરાંત માલવિકા જોશી કે, જેમની ઊંમર 65 વર્ષ છે, તેઓએ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યો છે. તેમજ 80 વર્ષથી ઉપરના મશરીભાઈ પરમારે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે. આમ, જૂનાગઢના માસ્ટર્સ ખેલાડીઓએ યુવાનોને પ્રેરણા આપતાં ભવ્યાતિભવ્ય સફળતા હાંસલ કરીને, કુલ 10 જેટલા મેડલ જૂનાગઢને નામ કર્યાં છે.