Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: 450 વર્ષ કરતાં જૂનું મહાલક્ષ્મી માતાજીનું મંદિર, જ્યાં માતાજી બાળસ્વરુપે બિરાજે છે

જૂનાગઢ: 450 વર્ષ કરતાં જૂનું મહાલક્ષ્મી માતાજીનું મંદિર, જ્યાં માતાજી બાળસ્વરુપે બિરાજે છે

Junagadh

Junagadh Mahalakshmi Mataji's temple

જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું મંદિર અતિપ્રાચીન છે, જ્યાં માતાજીના બાળ સ્વરૂપના દર્શન થાય છે. Video માં જાણો

    જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં (Danapith) આવેલું મહાલક્ષ્મી માતાજીનું મંદિર (Mahalaxmi Mandir) અતિપૌરાણિક છે. દિવાળીના (Diwali) પંચ પર્વ એટલે કે ધન તેરસથી લઈને ભાઈબીજ (Bhai Dooj) સુધીના તહેવારો ઉપર અહીં ભાવિકોની ભારે ભીડ જામે છે. વહેલી સવારે મંદિર ખુલે, ત્યારથી લઈને રાત સુધીમાં હજ્જારો ભાવિકો (Devotees) માતાજી સમક્ષ શીશ નમાવી, મહાલક્ષ્મી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

    દાણાપીઠ વિસ્તારમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું મંદિર આશરે 450 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક હોવાનું કહેવાય રહ્યું છે. આ મંદિરમાં મહાલક્ષ્મી માતાજી બાળ સ્વરૂપે દર્શન આપી રહ્યાં છે. માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ એટલે કે, ગજ લક્ષ્મી સ્વરૂપ અહીં બિરાજમાન છે. અહીં આવતાં ભાવિકો મહાલક્ષ્મી માતાજીને કમળ અર્પણ કરે છે, સાથોસાથ યથાશક્તિ ભેટ પણ અર્પણ કરીને સર્વેનું કલ્યાણ થાય તેવી મંગલ કામના કરે છે.

    દાણાપીઠ વિસ્તાર આમ તો મુખ્ય બજારનો વિસ્તાર હોવાથી, અહીંના સ્થાનિક વેપારીઓ મહાલક્ષ્મી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. દિવાળીના તહેવારે થતાં ચોપડા પૂજન પહેલાં તેઓ માતાજીને ચોપડા ધરાવવા તેમજ માતાજીના ચરણોમાં શીશ નમાવવા અચુકપણે આવે છે.

    ખાસ કરીને દિવાળીના તહેવારોમાં ધન તેરસ, કાળી ચૌદશ, દીપાવલી, બેસતું વર્ષ અને ભાઈબીજના દિવસે અહીં ભાવિકોનું ઘોડાપુર ઉમટે છે. દિવાળીના તહેવારોમાં માતાજીને મનોહર શૃંગાર કરવામાં આવે છે. બેસતાં વર્ષના દિવસે સંધ્યા સમયે માતાજીને પ્રિય અન્નકુટ ધરવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં સવારે 5.30 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી માતાજીના દર્શન ખુલ્લાં રહે છે, જેમાં બપોરે 12.30 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રાખવામાં આવે છે.

    મહાલક્ષ્મી માતાજીના મંદિર પરિસરમાં આપણને દેવાધિદેવ મહાદેવના ત્રણ સ્વરૂપના દર્શન થાય છે, જેમાં બ્રહ્મેશ્વર મહાદેવ, તપેશ્વર મહાદેવ, પીપળેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મહાદેવનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવે છે.

    રાજેન્દ્રભાઈ પંડિતના જણાવ્યાં અનુસાર, તેમના પિતાજીએ આશરે વર્ષ 1961 માં અહીં પૂજારી પદ સાંભળેલું. હાલ રાજેન્દ્રભાઈ પોતે પૂજારી તરીકે માતાજીની સેવા કરી રહ્યાં છે.
    First published:

    Tags: Diwali 2021, ગુજરાત, જૂનાગઢ

    આગામી સમાચાર