જૂનાગઢ: દિક્ષાંત સમારંભ પહેલા પોલીસ જવાનો કોવિડ-19ના નિયમોને નેવે મૂકીને ગરબે ઘૂમ્યા!

જૂનાગઢ: દિક્ષાંત સમારંભ પહેલા પોલીસ જવાનો કોવિડ-19ના નિયમોને નેવે મૂકીને ગરબે ઘૂમ્યા!
ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયેલો ગરબાનો કાર્યક્રમ.

Junagadh LRD Jawan: જૂનાગઢ શહેરમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે લોકો વચ્ચે ખોટો દાખલો બેસાડ્યો છે. અહીં LRD જવાનો ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા છે.

 • Share this:
  જૂનાગઢ: હાલ કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવું ખૂબ જરૂરી છે. આ દરમિયાન જૂનાગઢ શહેરમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે લોકો વચ્ચે ખોટો દાખલો બેસાડ્યો છે. અહીં LRD જવાનો ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા છે. આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને ચોક્કસ લોકોનો ગુસ્સો ફૂટી નીકળે. જેમના શીરે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે લોકો જ ખુલ્લેઆમ નિયોમનું ઉલ્લંઘન કરે તે જરા પણ સ્વીકાર્ય નથી. આ જ જવાનો આવતીકાલે ફરજ પર હાજર થઈને લોકો પાસેથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક નહીં પહેરવાનો દંડ ઉઘરાવશે!

  બનાવની વિગત જોઈએ તો જૂનાગઢ ખાતે શુક્રવારે એલઆરડી જવાનોનો દિક્ષાંત સમારંભ યોજાવાનો છે. દિક્ષાંત સમારંભ પહેલા જવાનો તરફથી ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના એકેય નિયમો પાળવામાં આવ્યા ન હતા. હાલ સરકારે લગ્ન સહિતના પ્રસંગો માટે પણ કડક નિયમો બનાવ્યા છે ત્યારે કાયદાના રખેવાળો આવી રીતે નિયમોના ધજાગરા ઉડાવે તે બનાવે આખા રાજ્યમાં ચર્ચા જગાવી છે. આ કેસ ધ્યાનમાં આવતા જ સરકારે તાબડતોબ તપાસના આદેશ ચોક્કસ આપી દીધા છે પરંતુ માસ્ક મામલે પહેલાથી જ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે ત્યારે આ બનાવ ચોક્કસ લોકો વચ્ચે ખોટો દાખલો બેસાડશે.  તપાસના આદેશ અપાયા

  આ બનાવ ધ્યાન આવતા જ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તપાસનો આદેશ આપ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપતા કહ્યુ છે કે, આ પ્રકારના કોઈ જ પ્રવૃત્તિ સાંખી નહીં લેવાય. સાથે જ તેમણે ગરબાના કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી હાજર હતા કે નહીં તેની તપાસના આદેશ પણ કર્યાં છે.

  આ પણ વાંચો: 'રૂપિયા મફતમાં નથી આવતા,' અમદાવાદમાં યુવકે માસ્કના દંડ મામલે પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો


  આ મામલે એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (તાલિમ) ગાંધીનગર વિકાસ સહાયે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "મને આ પ્રકારના વીડિયો મળ્યા છે. પ્રાથમિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ચાર દિવસમાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવશે. જેમની પણ બેદરકારી હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ઘટના બનવી એ પોલીસ માટે શરમજનક છે. પોલીસે રાજ્યમાં કોરોના દરમિયાન ખૂબ સારી કામગીરી કરી છે ત્યારે આ પ્રકારનો બનાવ દુઃખદ છે."

  કલ્ચરલ પ્રોગ્રામ હતો: તાલિમ સેન્ટર DySP

  આ મામલે વાતચીત કરતા જૂનાગઢ તાલિમ સેન્ટરના ડીવાયએસપી, પી. વી વાણીયાએ જણાવ્યું હતું કે, "8મી જાન્યુઆરીના રોજ યોજાનારી પાસિંગ આઉટ પરેડ પહેલા ટ્રેનિંગ સેન્ટર ખાતે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાલિમાર્થીઓ માટે જ હતો. અમે તાલીમાર્થીઓને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. તમામ લોકોનું દરરોજ ચેકિંગ કરવામાં આવે છે. ત્રણ મહિનાથી કોઈ પોઝિટિવ કેસ પણ નથી આવ્યો. તાલિમાર્થી સિવાય કોઈ હાજર ન હતું"

  આ પણ વાંચો:  મોઢે માસ્ક નહીં, બાઇકમાં નંબર પ્લેટ નહીં અને ચાલુ વાહને ફોન પર વાત: વડોદરાનો પોલીસકર્મી સસ્પેન્ડ

  પોલીસ જવાનોને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની શીખામણ

  બીજી તરફ આજે ગાંધીનગર કરાઇ એકેડેમી ખાતે 438 જવાનોના દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. દીક્ષાંત સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નવા પોલીસ જવાનોને ખાસ શીખામણ આપી હતી. જાડેજાએ જણાવ્યુ હતુ કે, "સોશિયલ મીડિયાનાં જમાનામાં લોકોના હાથમાં મોબાઈલ હોય છે. લોકો પોલીસની કામગીરીનું આંકલન કરતા હોય છે. તમારે વિચારીને પોતાની ફરજ નિભાવવી પડશે. ગુજરાત પોલીસ અને તમારા પરિવારને ગૌરવ થાય તેવું કામ કરવાનું છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં પોલીસ નહીં પરંતુ સ્માર્ટ પોલીસની જરૂર છે, તે દિશામાં પણ આગળ વધવું પડશે. પોલીસની છબી પરથી સરકારની કામગીરીનું પણ આકલન થતું હોય છે."
  Published by:Vinod Zankhaliya
  First published:January 07, 2021, 17:23 pm

  ટૉપ ન્યૂઝ