અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં હનીટ્રેપ (Junagadh honey trap case)નો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. તાજેતરમાં જિલ્લામાં હનીટ્રેપ અને લૂટેરી દુલ્હન (Looteri dulhan)ના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ બનાવમાં છરીની અણીએ યુવાનનો એક મહિલા સાથ નિર્વસ્ત્ર વીડિયો (Video) બનાવવામાં આવ્યો હતો. જે બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવાન પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે પોલીસ છટકું ગોઠવીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મહિલા ફરાર થઈ ગઈ છે. પીડિત યુવક રેલવેનો ગેટ કિપર (Railway gate keeper) હોવાનું સામે આવ્યું છે. ધોરાજી રોડ પરના રેલવે ફાટકનો ગેટ કિપર હનીટ્રેપનો શિકાર બન્યો છે.
કેવી રીતે બનાવ્યો શિકાર?
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આ બનાવ 25મી જૂનના રોજ બન્યો હતો. જેમાં ફરિયાદી જૂનાગઢના સાબલપુર ચોકડી પાસે ધોરાજી રોડના રેલવે ફાટક પર ગેટ કીપર તરીકે ફરજ પર હતો. આ દરમિયાન આરોપી સલમાન વિશળ, બસીર સુમરા અને સબનમ ઉર્ફે સબુ ફરિયાદી પાસે આવ્યા હતા.
તમામ આરોપી જૂનાગઢ શહેરના જ રહેવાસી છે. જેમાં સલમાને ફરિયાદીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમામ લોકોએ આરોપી પાસેથી પૈસાની માંગણી કરી હતી. જે બાદમાં સબનમ ઉર્ફે સબુએ આરોપી પાસેથી 500 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા.
જે બાદમાં તમામ લોકો ફરિયાદીને નજીક આવેલી ઓરડીમાં લઈ ગયા હતા. અહીં ફરિયાદીને છરી બતાવીને પૈસાની માંગણી કરી હતી તેમજ તેઓ કહે તેમ કરવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીને પોતાનું પેન્ટ ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. જે બાદમાં આરોપી સબનમે પોતાના કપડાં ઉતાર્યાં હતા અને સલમાને છરી બતાવી પોતાના મોબાઇલમાં આ અંગેનો વીડિયો બનાવી લીધો હતો.
જે બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત ફરિયાદીને ગાળો પણ ભાંડવામાં આવી હતી. ત્રણેય લોકોએ આ વીડિયો વાયરલ ન કરવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં મુખ્ય આરોપી આર્યન ઠેબા રહે. જૂનાગઢ ત્યાં આવ્યો હતો અને મધ્યસ્થી બનીને રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.