જૂનાગઢ: જૂનાગઢની છાપ છેલ્લાં અનેક વર્ષોથી ખાડાગઢ તરીકે ચિતરાઈ ગયેલી છે, ત્યારે માંડ વાહન ચલાવવા લાયક રસ્તો બન્યો હોય, ત્યાં ફરીથી ખાડા ખોદીને રસ્તાની દશા ફેરવવામાં આવે છે! દિવાળીના (Diwali 2021) તહેવારોમાં પણ જૂનાગઢના મુખ્ય રસ્તાઓ ઉપર મસમોટા ખાડા ખોદીને જૂનાગઢની જાહેર જનતાને જૂનાગઢ તંત્ર દ્વારા ભેટ સ્વરૂપે ખાડા અપાઈ રહ્યાં છે, ત્યારે જનતા તંત્રને સવાલ કરી રહી છે કે, શું જૂનાગઢની પ્રજાના નસીબમાં ફક્તને ફક્ત ખાડા જ લખેલાં છે?
દિવાળીનો સમય છે, ત્યારે જૂનાગઢના મુખ્ય માર્ગ તરીકે ઓળખાતા એમ.જી.રોડ પર અનેક જગ્યાએ ખોદકામ કરીને મસમોટા ખાડા કરી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં, રાત્રે કોઈની અવરજવર ન હોય ત્યારે ખાડા ખોદવામાં આવે છે, પરંતુ તેના લીધે દિવસભર લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળીના તહેવારોની ખરીદી પણ લોકો ખાડા ઠેકીને કરી રહ્યાં છે, વળી વાહન ચાલકોને પડતી હાલાકીને કારણે ટ્રાફિક સમસ્યા પણ ઉદ્દભવી રહી છે.
આ વિશે જૂનાગઢના નાગરિકોએ તંત્ર પર આક્ષેપો કરતાં કહ્યું કે, એવી તે શું ઉતાવળ હતી કે તહેવાર સમયે જ રસ્તાઓ ખોદવાની ફરજ પડી? તંત્ર શું પ્રજાને હેરાન કરવાનું કોઈ કારસ્તાન કરી રહ્યું છે? કે પોતાની અણઆવડતનું સરેઆમ પ્રદર્શન કરી રહ્યું છે? નિયમિતપણે એમ.જી.રોડ પરથી પસાર થતાં નાગરિકે જણાવ્યું કે, છેલ્લાં ત્રણેક દિવસથી એમને એમ ખાડા ખોડાયેલ છે, તંત્ર શું દિવાળી ઉપર પણ જૂનાગઢની પ્રજાને ખાડાની ભેટ આપવા માંગે છે? જૂનાગઢના લોકોને તો આ આયોજન વગરનું કામ ભેટ ગણીને સ્વીકારવાનું જ રહ્યું!
વધુમાં નાગરિકોએ કહ્યું કે, હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, જૂનાગઢના નસીબમાં માત્ર ખાડા જ હોય એવું વાતાવરણ થઈ ગયું છે! તંત્રની આયોજન વગરની અને અણઆવડત ભરેલી કામગીરીથી જુનાગઢની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર