અતુલ વ્યાસ, જૂનાગઢ: આનંદ માટે ઉતારેલા અંગત પળોના વીડિયો ક્યારેક ભારે પડતા હોય છે. જૂનાગઢના માંગરોળ (Mangrol)માં એક યુગલને પોતાની અંગત પળોનું પોતાના મોબાઇલમાં શૂટિંગ કરવાનું ભારે પડ્યું છે. વ્યક્તિના ફોનમાંથી આ વીડિયો (Video) તેના એક મિત્રોએ મેળવી લીધા હતા અને બાદમાં તેને વાયરલ (Viral) કરવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની ખંડણી (Ransom) માંગી હતી. આ મામલે પોલીસ (Mangrol police) ફરિયાદ દાખલ થતાં પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ શહેરમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં પત્ની સાથેની કામક્રીડા કેદ કરી હતી. આ વીડિયો આરોપી ઇમરાન સુલેમાન ભાટા અને ઇરફાન સુલેમાન ભાટાએ મેળવી લીધા હતા. જે બાદમાં બંનેએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. બંને આરોપી સગા ભાઈઓ છે. બંને ટ્રક ચલાવવાનું કામ કરે છે. બંનેની ફરિયાદીની દુકાને બેઠક હતી.
આ પણ વાંચો: કચ્છ: રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ રેલી પર પથ્થરમારા બાદ ધીંગાણું
આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની પત્ની સાથેના અંગત પળોના વીડિયો બંને આરોપીઓને બતાવ્યા હતા. જે બાદમાં આરોપીઓએ થોડા દિવસ પછી દુકાને જઈને કામના બહાને ફરિયાદીનો મોબાઇલ લીધો હતો. આમ કરીને તેમણે મોબાઇલમાં રહેલા વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી લીધા હતા. આરોપીએ ફરિયાદીના મોબાઇલમાંથી આવા 24 વીડિયો ડાઉનલોડ કરી લીધા હતા. જે બાદમાં તેણે આરોપીને આ વીડિયો મોકલીને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. વીડિયો વાયરલ ન કરવા હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો: દ્વારકા: બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત
આ મામલે ફરિયાદીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસે આ કેસમાં આરોપી એવા બંને સગાભાઈઓની ધરપકડ કરી છે. આ મામલે માંગરોળ PSI વી. યુ સોલંકીએ વધુ તપાસ શરૂ કરી છે. માંગરોળ શહેરનો આ કિસ્સો સમાજ માટે ખરેખર લાલબત્તી સમાન છે. ક્યારેય મોજશોખ કે આનંદ માટે ઉતારેલા વીડિયો કેવા ભારે પડી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
Published by:Vinod Zankhaliya
First published:January 18, 2021, 12:04 pm