Home /News /kutchh-saurastra /પ્રજાના પૈસે લીલા લહેર, જૂનાગઢ મનપાના વાહનોનો અંગત કામોમા કરાય છે દુરુપયોગ, શું છે મામલો?

પ્રજાના પૈસે લીલા લહેર, જૂનાગઢ મનપાના વાહનોનો અંગત કામોમા કરાય છે દુરુપયોગ, શું છે મામલો?

X
Manjula

Manjula Pansara Corporator

જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં મુકાઈ છે, મહિલા કોર્પોરેટર દ્વારા મનપાના વાહનોના આડેધડ થતાં ઉપયોગની પોલ ચત્તી કરવામાં આવી છે

જૂનાગઢઃ જૂનાગઢ મહાનગરપાલિકા (junagadh municipal coportocation) વિવાદમાં ન આવે તો નવાઈ નહીં! જૂનાગઢ મહાનગરપાલિકાના (Junagadh corporation) તમામ પદાધિકારીઓને વાહનો ફાળવવામાં આવ્યા છે, જે વાહનોનો મનપાના અધિકારીઓ (JMC officers) બેફામ ઉપયોગ કરી રહ્યાં છે. પોતાના અંગત કામ માટે, પક્ષના કામ માટે તેઓ બેફામ વાહનો હાંકીને પ્રજાના મહેનતના પૈસા ધુમાડો કરી રહ્યાં છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ, મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને આપવામાં આવેલા વાહનો તો બેફામ ચાલે જ છે, પરંતુ અન્ય કામગીરી પાછળ વપરાતા વાહનોના રીપેરીંગ પાછળ અડધો કરોડથી વધારે રૂપિયા ખર્ચવામાં આવ્યાં છે. આ અન્ય વાહનોમાં પેટ્રોલ અને ડિઝલનો આંકડો તો હજુ સુધી મનપાએ જાહેર જ નથી કર્યો.

જો વાત મનપાના સત્તાધીશોના વાહનોમાં થયેલ ઇંધણ ખર્ચની કરવામાં આવે તો, છેલ્લાં ત્રેવીસ મહિનામાં મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓના વાહનોમાં ઇંધણ માટે રૂ.28,98,799 ખર્ચ કરવામાં આવ્યા છે. જેમાં મેયરની ગાડી 40,113 કિમિ, ડે.મેયરની ગાડી 35,430 કિમિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગાડી 64,211 કિમિ ફરી છે. જેમાં શાસક પક્ષના નેતાની ગાડીએ સૌથી વધુ એટલે કે, 91,061 કિમીની સફર કરી છે. જે દરમિયાન લાખો રૂપિયાનો રીપેરીંગ ખર્ચ અને ઇંધણનો ખર્ચ નોંધી દેવામાં આવ્યો છે. જેમાં પ્રજાના ટેક્સના નાણામાંથી મનપાના 4 પદાધિકારીઓની ગાડીમાં ₹28,98,799 નો ખર્ચ થયો છે.

આ બાબતને લઈને જૂનાગઢના વોર્ડ નં.4ના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ કહ્યું કે, મનપાના વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા માટે અનેક વખત દરખાસ્તો કરવામાં આવી છે, પણ શાસકો તેની બહુમતી હોવાને કારણે દરખાસ્ત નામંજૂર કરે છે. જો મનપાના સત્તાધીશો પોતાને આપવામાં આવેલા વાહનોનો ખોટો ઉપયોગ નથી જ કરતાં તો પછી ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં શું તકલીફ પડે છે? જૂનાગઢવાસીઓએ આ બાબતે જાગૃત થઈને પદાધિકારીઓ અને અધિકારીઓને ખુલ્લા પાડવાની જરૂર છે, ત્યારે જ જૂનાગઢ ઉપર પડતો આ બોજ બંધ થશે!
First published:

Tags: Corporator, JMC, Tax, ગાડી, મહાનગરપાલિકા