જૂનાગઢ: સૌરાષ્ટ્ર પંથકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ સુધીમાં કમોસમી વરસાદ (unseasonal rain forecast) પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ (Junagadh Marketing Yard) ખાતે અચોક્કસ મુદ્દત સુધી જણસીની આવક (Income Closed) બંધ કરવામાં આવી છે, આથી ખેડૂતમિત્રોને જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચન ન કરવામાં આવે, ત્યાં સુધી જણસી ન લાવવા માટે અપીલ કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા લોપ્રેસરને કારણે સૌરાષ્ટ્ર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં જૂનાગઢની વાત કરીએ તો, આજરોજ તા.18મી નવેમ્બર ના રોજ સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે, વહેલી સવારે હળવો વરસાદ પણ પડ્યો. જેને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદ પડવાની આગાહીને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે.
આ તકે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીની આવક બંધ કરવામાં આવી છે. વરસાદને કારણે કોઈપણ જણસીને નુકસાન ન પહોંચે એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની નોંધ લઈને ખેડૂતમિત્રોને પોતાની જણસી ન લાવવા માટે અપીલ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, ફરી જાહેરાત ન થાય ત્યાં સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવકો બંધ રહેશે.
આ તકે ખેડૂતોને અપીલ કરવામાં આવી કે, તેઓ જ્યારે પણ જણસી લઈને આવે ત્યારે અગાઉથી કમીશન એજન્ટનો સંપર્ક કરીને આવે, જેથી કરીને વ્યવસ્થામાં સરળતા રહે. હાલમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જમા થયેલ તમામ જણસીને સુરક્ષિત જગ્યાએ રાખી દેવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર