જૂનાગઢ: ગુજરાતભરમાં (Guajart) શિયાળાની (Winter 2021-22) શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ હાલ નહિવત જેવું આંકવામાં આવી રહ્યું છે. જેને લઈને જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ (Krushi Havaman vibhag)દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે કે, આગામી તા.17મી ડિસેમ્બરથી જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં (Junagadh District) ઠંડીનું પ્રમાણ વધવા પામશે.
આ વિશે વિગતવાર માહિતી આપતાં જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના એમ.સી.ચોપરાએ જણાવ્યું કે, આજરોજ તા.13મી ડિસેમ્બરના રોજ જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન 15.4 ડીગ્રી સેલ્શિયસ નોંધવામાં આવ્યું છે. લાંબાગાળાના લઘુતમ તાપમાન વિશે જણાવતાં તેઓએ ઉમેર્યું કે, ડિસેમ્બર માસમાં રહેતું લાંબા ગાળાનું તાપમાન 12.8 ડીગ્રી સેલ્શિયસ જેટલું છે. જે સરેરાશ તાપમાન કરતાં ઊંચું નોંધવામાં આવી રહ્યું છે.
મહત્વની બાબત તો એ છે કે, આગામી તા.16 મી ડિસેમ્બર સુધી આ લઘુતમ તાપમાન 15 ડીગ્રી સેલ્શિયસ આસપાસ જળવાય રહેશે. જે પછી આ લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેથી એવું કહી શકાય કે, આગામી તા.17મી ડિસેમ્બરથી લઘુતમ તાપમાનનું પ્રમાણ નીચું જતાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે, સાથે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઠંડીમાં થોડો વધુ ચમકારો જોવા મળશે.