દિવાળીના તહેવારોમાં અનેક પ્રવાસન સ્થળોએ (Gujarat Tourism) પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો, ત્યારે જૂનાગઢના સક્કરબાગ ઝુમાં (Sakkarbaug Zoo) પણ છેલ્લાં ચાર દિવસમાં મુલાકાતીઓની ભારે ભીડ (Diwali 2021) જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, દિવાળી પછી બેસતાં વર્ષના દિવસથી આજદિન સુધીમાં કુલ ચાર દિવસમાં 68,912 મુલાકાતીઓએ (Visitors) સક્કરબાગની મુલાકાત કરી છે.
ગત વર્ષે કોરોના મહામારીને કારણે લોકોમાં ભયનો માહોલ હતો, જેની સીધી અસર તહેવારોની ઉજવણી પર પણ જોવા મળી હતી. લોકોમાં કોરોનાને લઈને જે ડર હતો, તે હવે મહદઅંશે નાબૂદ થઈ ગયો છે, ત્યારે આ વર્ષે દિવાળીમાં મળેલી રજાઓને ખાસ બનાવવા લોકો હરવા-ફરવા નીકળી પડ્યાં હતાં. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, સાસણગીરમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.
વાત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની કરીએ તો, દિવાળીના તહેવારો દરમિયાન જૂનાગઢમાં આવેલું ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ ઝુ મુલાકાતીઓથી છલોછલ થઈ ગયું હતું. ગત તા.5મી નવેમ્બરથી મુલાકાતીઓની સંખ્યામાં એકાએક વધારો જોવા મળ્યો હતો. જેમાં 5મી નવેમ્બરના રોજ કુલ 16,862 મુલાકાતીઓએ સક્કરબાગની મુલાકાત કરી. જ્યારે 6ઠ્ઠી નવેમ્બરના રોજ 17,368 મુલાકાતીઓ સક્કરબાગની મુલાકાતે આવ્યાં.
ગત તા.7મી નવેમ્બરના રોજ કુલ 18,101 મુલાકાતીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી, જ્યારે 8મી નવેમ્બરના રોજ 16,581 મુલાકાતીઓએ મુલાકાત કરી, દિવાળીની રજાઓને ખાસ બનાવી હતી. તહેવારો દરમિયાન ઉમટી પડેલા માનવ મહેરામણથી પાર્કિંગમાં વાહનોના થપ્પા લાગ્યાં હતાં. જ્યારે જૂનાગઢના મોટા ભાગના ગેસ્ટ હાઉસ અને હોટેલો પ્રવાસીઓથી ભરચક થયેલ જોવા મળ્યાં.
જૂનાગઢની મુલાકાતે આવેલા મોટાભાગના પ્રવાસીઓએ સક્કરબાગ સહિત ગિરનાર રોપવેની પણ સફર કરી હતી, ત્યારે ગિરનાર રોપવે ખાતે પણ ભારે ભીડ જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે, છેલ્લાં ચાર દિવસમાં કુલ 60 હજારથી વધારે પ્રવાસીઓએ ગિરનાર રોપવેની મજા માણી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર