જૂનાગઢ: 31 મી જુલાઇ ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના મહમારીને કારણે આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર રાજ્યનું ધોરન 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100 ટકા આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં કુલ 4,00,127 વિદ્યાર્થીઓનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31મી જુલાઇના રોજ જાહેર થયું છે. જે અંતર્ગત 2,10,375 વિદ્યાર્થી ભાઈઓ અને 1,89,752 વિદ્યાર્થિની બહેનોનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં A1 ગ્રેડ મેળવનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 691 છે, જ્યારે 99 થી ઉપર પર્સન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3,999 છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આજરોજ તા.૩૧મી જુલાઇ ના રોજ સવારે આઠ વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે પરિણામ ફક્ત શાળાઓ જ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બાદ એ પરિણામની પ્રિન્ટ કાઢીને જે તે શાળા પરથી વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ મેળવ્યું.
આજરોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ અંતર્ગત જો આપને જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, જૂનાગઢ જિલ્લામાં કુલ 11,778 વિદ્યાર્થીઓનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું. જેમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 31, A2 ગ્રેડ મેળવનારની સંખ્યા 364, B1 ગ્રેડ મેળવનારની સંખ્યા 1633, B2 ગ્રેડ માં 3248, C1 ગ્રેડ માં 3724, C2 ગ્રેડ માં 2215, D ગ્રેડ માં 445, E1 ગ્રેડ માં 115 અને E2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3 રહી છે.
આ તકે જૂનાગઢ જિલ્લાના શિક્ષણઅધિકારીએ તમામ વિદ્યાર્થીઓના ઉત્તમ ભાવિ નિર્માણ માટે શુભકામનાઓ પાઠવી. આ ઉપરાંત તેઓએ વિદ્યાર્થીઓને કોવિડ-19 ની તમામ ગાઈડલાઇન્સ નું પાલન કરીને આગળ અભ્યાસ કરવા જણાવ્યું તથા તમામ વિદ્યાર્થીઓને કોરોના રસીકરણના મહાઅભિયાનમાં જોડાવવા માટે જણાવ્યું અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.