જૂનાગઢમાં બીઆરસી ભવનનું ખાતમુહૂર્ત તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
junagadh News : રાજ્ય સરકારના સુશાસનને પાંચ વર્ષ પરિપૂર્ણ થતાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તા.1લી ઓગસ્ટના રોજ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમો યોજાયા
પ્રવર્તમાન રાજ્ય સરકારના સુશાસનને (Five Years of CM Rupani Government) પાંચ વર્ષ પૂર્ણ થતાં જૂનાગઢ (Junagadh Municipal Corporation) મહાનગરપાલિકા દ્વારા તા.1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમો જુનાગઢ મહાનગરપાલિકાના મેયર, કમિશ્નર સહિતના અધિકારીઓની આગેવાનીમાં યોજાવાના છે, ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ગત તા.1લી ઓગસ્ટ ના રોજ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા.1લી ઓગસ્ટના રોજ જૂનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે આવેલ ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.જી. સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે બી.આર.સી. ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, કમિશ્નર રાજેશ તન્ના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધૂલેશિયા, શાસક પક્ષના નેતા નટુભાઇ, જૂનાગઢ શિક્ષણ સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરની તેમજ અનેક શિક્ષકો, આંગણવાડીની બહેનો કોર્પોરેટરો ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ વિશે વધુમાં જાણીએ તો, જૂનાગઢ ખાતે નિર્માણ થવા જઈ રહેલ નવા બ્લોક રિસોર્સ સેન્ટર એટલે કે બી. આર. સી. ભવનના પાયાનું ખાતમુહૂર્ત જૂનાગઢની એ.જી. સ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું. આ બી. આર. સી. ભવન ખાતે જુનાગઢ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એમ કુલ મળીને 230 જેટલા સેન્ટર ના શિક્ષકમિત્રોને અહીં તાલીમ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થયેલ નવી શિક્ષણનીતિના નવા આયામોથી શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવશે.
જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે એક મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી કે, સરકાર દ્વારા ચાલતા મિશન ઓફ સ્કૂલ એકસેલેન્સ અંતર્ગત જૂનાગઢની બે સરકારી શાળાઓની પસંદગી કરવામાં આવી છે, જે બંને સરકારી શાળાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવામાં આવશે.
પ્રવર્તમાન રાજ્ય સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના વિવિધ જિલ્લાના શહેર, તાલુકા તેમજ નાના મથકોમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત જૂનાગઢ ખાતે એ.જી.સ્કૂલના ગ્રાઉન્ડ માં બીઆરસી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત જૂનાગઢના સોનાપુર સ્મશાન ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજણ કરવામાં આવ્યું. જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં વિવિધ જગ્યાઓએ કુલ 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.