જૂનગાઢ: હવામાન વિભાગ (Weather department)ની આગાહી મુજબ ગુલાબ વાવાઝોડા (Gulab Cyclone)ની અસર સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને જોવા મળી. જૂનાગઢ જિલ્લામાં ગત બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે જૂનાગઢ જિલ્લાના તમામ જળાશયો બે કાંઠે થયાં છે. તકેદારીના ભાગરૂપે જૂનાગઢ કલેક્ટર દ્વારા આગામી તા.1લી ઓક્ટોબર સુધી ડેમ, તળાવ, નદી કે અન્ય જળાશયોની નજીક ન જવા માટે જાહેરનામું પ્રસારિત કર્યું છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ (Junagadh district rain) પડતાં ગિરનારમાંથી નીકળતી સોનરખ નદી ગાંડીતુર બની હતી, જેને લઈને દામોદર કુંડ બે કાંઠે વહી રહ્યો હતો. દામોદર કુંડ ઉપર બાંધવામાં આવેલ બ્રિજની કમાન સુધી પાણી પહોંચ્યું હોય, એવી ઘટના પહેલી વખત બની હોય! તેવું જાણકારો કરી રહ્યાં છે. જેને લઈને સમગ્ર જૂનાગઢમાં અને ખાસ કરીને ગિરનાર પર પડેલ વરસાદનો અંદાજ લગાવી શકાય છે!
ગિરનાર સહિત દાતાર પર્વત પર અનરાધાર વરસાદ પડવાથી સુંદર દ્રશ્યો સર્જાયા હતાં. દાતાર પર્વતના પગથીયાં પર વરસાદી પાણી દોડતું થયું હતું, જ્યારે પર્વતની શિલાઓ પરથી પડતાં ધોધે સૌ કોઈને અચંબિત કર્યા હતા. આ ઉપરાંત ભવનાથ નજીક આવેલા ભારતી આશ્રમ નજીક રસ્તા ઉપર નદીના પાણી ફરી વળવાથી રસ્તાઓએ પણ નદીનું રૂપ લીધું હતું. જેને કારણે રસ્તાના સાઈડ ઉપર ઉભેલી એક રિક્ષા ઊંઘી વળી ગઈ હોય, તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.
જૂનાગઢ શહેરમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું! સમગ્ર શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જેને કારણે દોલતપરા નજીકથી પસાર થતો રાજકોટ-જૂનાગઢ હાઇવે અમુક કલાકો માટે બંધ કરવાની ફરજ પડી હતી! ખાસ કરીને; રેલવે સ્ટેશન, જોશીપરા, ઝાંઝરડા રોડ, જયશ્રી રોડ સહિતના મુખ્ય રસ્તાઓ ઉપર પાણી આવી જતાં ભારે ટ્રાફિક સર્જાયો હતો.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં પડ્યો છે. હાલ પડેલા ભારે વરસાદથી જૂનાગઢ જિલ્લાના મધુવંતી, આંબાજળ, ઝાંઝેશ્રી, ધ્રાફડ, ઓઝત વીયર, વિલીંગ્ડન, હસ્નાપુર, આણંદપુર સહિતના નાના મોટા તમામ ડેમ 100% ભરાયેલા છે, ત્યારે લોકો અને પર્યટકોએ સાવચેતી રાખવી ખાસ જરૂરી હોવાનું તંત્રએ જણાવેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર