જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Achary Devvrat) આજરોજ તા.29મી જુલાઇ ના રોજ જૂનાગઢના એક દિવસના પ્રવાસે આવ્યા છે. જેઓ વર્તમાન સમયમાં ચાલી રહેલ પ્રાકૃતિક ખેતી મિશનના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે, જે દરમિયાન તેઓએ જૂનાગઢ શહેર (Junagadh) ઐતિહાસિક ઓળખ સમાન ઉપરકોટની મુલાકાત લીધી હતી, તેઓ ગિરનાર પર્વત પર નિર્માણ થયેલ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ મારફતે માઁ અંબાજીના દર્શને જવાના હતા, પરંતુ તેઓની ગિરનાર યાત્રા રદ્દ થઈ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Achary Devvrat) જૂનાગઢ નજીક આવેલ કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી, જૂનાગઢ પહોંચ્યા હતા. જે પછી તેઓ 11 કલાકે ગીરનાર પર બિરાજમાન માં અંબાજીના દર્શે ગીરનાર રોપ-વે મારફતે જવાના હતા, પરંતુ ભારે પવનને કારણે ગીરનાર રોપ-વે બંધ હોવાથી તેઓની ગીરનાર યાત્રા રદ્દ કરવામાં આવી હતી.
જે પછી રાજ્યપાલ દેવવ્રત સવારે 11.30 વાગ્યાની આજુબાજુ જૂનાગઢની ઐતિહાસિક ઓળખ સમાન ઉપરકોટ પહોંચી કિલ્લાના વિવિધ ભાગોની મુલાકાત કરી હતી. હાલમાં ઉપરકોટના રિસ્ટોરેશન ની કામગીરી ચાલુ છે, ત્યારે તેઓએ ઉપરકોટના વિવિધ વિભાગના ખનન દરમિયાન મળેલી કેટલીક ઐતિહાસિક ચીજ-વસ્તુઓ, પ્રતિમાઓ, શિલ્પ વિશે માહિતી મેળવી હતી.
જે પછી તેઓએ ઉપરકોટની શાન સમાન નીલમ-માણેક તોપની મુલાકાત કરી હતી. ઉપરકોટની મુલાકાત દરમિયાન તેઓએ રાણક દેવીના મહેલની મુલાકાત કરી, ત્યારે ત્યાં આવેલ સંગેમરમરની કોતરણી યુક્ત સિંહાસનને જોઈને તેઓ ભારે અભિભૂત થયા હતા. રાજ્યપાયલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ઉપરકોટમાં આવેલ રા’નવઘણ કૂવો અને અડી-કડી વાવ, બૌદ્ધ ગુફાઓ, અનાજ કોઠારની પણ મુલાકાત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, જૂનાગઢના ઇતિહાસ અને ગીરનાર વિશે અગાઉ ઘણું સાંભળ્યું હતું અને આજે તેને માનવાનો અવસર પર પ્રાપ્ત થયો. તેઓએ સ્થાનિક સરકાર અને પ્રવાસન વિભાગને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, જેઓએ હજારો વર્ષ જૂની ઇતિહાસની ઓળખ એવા ઉપરકોટના કિલ્લાનો જીર્ણોદ્ધાર કરીને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. અહી આવનાર પ્રવાસી અહિયાના ઈતિહાસથી વાકેફ થઈને જ્ઞાનમાં વધારો કરશે. જીર્ણોદ્ધારની કામગીરીથી આવનારી પેઢીને આ ઐતિહાસિક વારસો જાળવી રાખવાની પ્રેરણા મળશે, તેવું જણાવ્યું હતું.
(લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.) વેબસાઈટ પરથી કોપી પેસ્ટ કરશો એટલે લિંક જાતે આવી જશે.