જુનાગઢ : સાઈકલ ચલાવવામાં ઘણી મહેનત લાગે, પણ સાઇકલ હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે. રોજ માત્ર 20 મિનિટ સાઇકલ ચલાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા કન્ટ્રોલ કરી શકાય છે, ત્યારે આવા અનેક ફાયદાઓ કરાવતી સાઈકલને કેન્દ્રમાં રાખીને જૂનાગઢ શહેરમાં બહેનો માટેની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ-ગાંધીનગર દ્વારા \"આઝાદી કા અમૃત મહોત્સવ\" અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી-જૂનાગઢ દ્વારા બહેનોની સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 78 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાઇકલ રેલીમાં વ્યાયામ શિક્ષક સંધના પ્રમુખ બી.ડી ગરચર, જગમાલ વરૂ તથા ભરતભાઈ પરમાર દ્વારા સ્પોર્ટ્સ સંકુલ ખાતેથી લીલી ઝંડી આપી સાઇકલ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ સાઇકલ રેલીનો શુભારંભ શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગાંધીગ્રામ ખાતેથી કરવામાં આવ્યો, જે પછી વાયા ભૂતનાથ, જીમખાના ચોક, મનોરંજન ગેસ્ટ હાઉસ, પી.ટી.સી.પરેડ ગ્રાઉન્ડ, આંબેડકર નગર, રામનિવાસ, કલેક્ટરશ્રી નિવાસ, ગાંધીગ્રામ રેલ્વે ફાટક થી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સમાપ્ત કરેલ હતી. આ સાઇકલ રેલીમાં જૂનાગઢ જિલ્લાની બહેનોએ પોતાની સાઇકલ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ, ફિટ ઈન્ડીયા અંગેનો જાગૃતિ સંદેશ આપતા બેનરો સાથે ભાગ લીધો હતો. રેલીમાં ભાગ લેનાર તમામ સાઇકલીસ્ટ બહેનો માટે લીંબુ સરબત તથા પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલીના અંતે તમામ સાઇકલીસ્ટ બહેનોને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા સિનીયર કોચ ગૌરાંગ નરે, ટેક્નિકલ મેનેજર કનકસિંહ ખેર, અતુલ જીલડીયા તેમજ અનેક કોચ અને ટ્રેનરના ઉમદા સહયોગ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ તકે એ પણ જાહેરાત કરવામાં આવી કે, આગામી તા.27-28 ઓગસ્ટના રોજ ભાઈઓ તથા બહેનોની 2 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવશે. જેની વિગતો આગામી તારીખોમાં જાહેર થશે, તેમ સિનીયર કોચ દ્વારા જણાવવામાં આવ્યું છે.