જૂનાગઢમાં સરદારબાગના તાજ મંજિલ બિલ્ડીંગ ખાતે કાર્યરત જૂનાગઢ મ્યુઝીયમ ની બાજુમાં આવેલ ઓપેરા હાઉસ ખાતે નિયામક પુરાતત્ત્વ અને સંગ્રહાલય કચેરી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગત તા.14મી ઓગસ્ટ થી લોકપ્રિય કલા પર ગાંધીજીના ચિત્રનું પ્રદર્શનનું આયોજન થયું છે, જે આગામી તા.20મી ઓગસ્ટ, 2021 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે.
આઝાદીના અમૃત મહોત્સવનો ટૂંકો પરિચય:
સમગ્ર ભારત વર્ષમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ વિશે જાણીએ તો, પ્રગતિશીલ ભારતના 75 વર્ષ અને આપણા ભારતીયોની સંસ્કૃતિ અને સિધ્ધિઓના ભવ્ય ઇતિહાસની ઉજવણી અને યાદગાર સંસ્મરણો તાજા કરવાની ભારત સરકાર દ્વારા થયેલી એક અનોખી પહેલ એટલે આઝાદીનો અમૃત મહોત્સવ. આપણી આઝાદીની 75મી વર્ષગાંઠ માટે તા.12 માર્ચ, 2021 ના રોજ \'આઝાદી કા અમૃત મહોત્સવ\' નો સત્તાવાર શરૂ થયો, જે આગામી 15મી ઓગસ્ટ, 2023 ના રોજ પરિપૂર્ણ થશે.
ગત તા.15મી ઓગસ્ટ, 2021 સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ શહેરમાં થઈ, જેમાં સોનામાં સુગંધ રૂપે ભળેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિયામક પુરાતત્ત્વ અને સંગ્રહાલય કચેરી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ વિભાગ દ્વારા લોકપ્રિય કલા પર ગાંધીજીના ચિત્રનું પ્રદર્શનનું આયોજન થયું છે. જે પ્રદર્શનનો શુભારંભ ગત તા.14મી ઓગસ્ટ થી કરવામાં આવ્યો છે, જે આગામી તા.20મી ઓગસ્ટ, 2021 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
ઓપેરા હાઉસ ખાતે થયું આયોજન
ઐતિહાસિક નગરી જૂનાગઢમાં અનેક ઇમારતો આજે પણ વર્ષો જુના ઇતિહાસની સાક્ષી પૂરે છે, જેમાંની એક ઇમારત એટલે ઓપેરા હાઉસ. નવાબી કાળમાં આ ઇમારતમાં નાટકોનું આયોજન થતું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની અનેક સરદાર બાગ ખાતે આવેલા આ નાટ્યગૃહને નવા રંગરોગાન પણ કરવામાં આવ્યા છે. જે અનુસંધાને આ ઐતિહાસિક ઇમારતમાં લોકપ્રિય કલા પર ગાંધીજીના ચિત્રનું પ્રદર્શનનું આયોજન થયું છે.
ગાંધીજીના ચિત્રોના પ્રદર્શનની ખાસિયત
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા લોકપ્રિય કલા પર ગાંધીજીના ચિત્ર પ્રદર્શનમાં અનેક ઐતિહાસિક ક્ષણોની અલભ્ય તસવીરો લોકોના જ્ઞાનમાં વધારો કરવા માટે મુકવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીજીના સુંદર ચિત્રો પણ લોકોને ખૂબ ગમી રહ્યાં છે. એટલું જ નહીં, જૂનાગઢને પાકિસ્તાનથી આઝાદ કરવા માટે થયેલી આરઝી હકુમતની ચળવળ અંગેની વિસ્તૃત માહિતી અહીં પ્રદર્શિત કરવામાં આવી છે.
ગાંધીજી અને શાસ્ત્રીજીના અસ્થિકુંભ બન્યાં આકર્ષણનું કેન્દ્ર
સરદાર બાગના ઓપેરા હાઉસ ખાતે યોજાયેલા ગાંધીજીના ચિત્રના પ્રદર્શનમાં મહાત્મા ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજીના અવસાન પછી તેઓના અસ્થિને જે કુંભમાં ભરીને જળમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા, તે અસ્થિકુંભ પણ આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. જે પ્રદર્શનની મુલાકાતે આવતાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર