જૂનાગઢ: આપણે સૌ જાણીએ છીએ કે; સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ તથા ચિકન ગુનિયા જેવા રોગોના કેસોમાં સતત વધારો નોંધાય રહ્યો છે, ત્યારે લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને શરીર વિવિધ રોગો સામે સુરક્ષિત રહી શકે, એ માટે જૂનાગઢની શ્રી માધવ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લી. દ્વારા નિઃશુલ્ક ઉકાળા વિતરણ કેમ્પનું આજરોજ તા.07 ડિસેમ્બર થી તા.11 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે.
સતત વધી રહેલાં રોગચાળા વચ્ચે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને લોકસેવામાં સદૈવ તત્પર રહેતી શ્રી માધવ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લી. ના સભ્યો દ્વારા આજરોજ તા.07 ડિસેમ્બર થી તા.11 ડિસેમ્બર કુલ પાંચ દિવસ સુધી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યવર્ધન માટે વિનામૂલ્યે આયુર્વેદિક અમૃતપેય ઉકાળા વિતરણનું આયોજન થયું છે. જે આયોજન શ્રી માધવ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લી., જાગનાથ મંદિર રોડ, જલારામ સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે. આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિતરણ સવારે 7.30 વાગ્યા થી 8.30 વાગ્યા સુધી કરવામાં આવે છે. જે દરમિયાન આજે પ્રથમ દિવસે 150 થી વધુ લોકો ઉકાળા વિતરણનો લાભ લીધો હતો.
આ તકે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદભાઈએ જણાવ્યું કે, વર્ષ 2008 માં આ સંસ્થાની સ્થાપના થઇ, ત્યારથી લઈ આજદિન સુધી અનેક સેવાપ્રવૃત્તિ કરતી આવી છે. છેલ્લાં 5 વર્ષથી આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ઉકાળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલ, ડો.પીઠીયા સાહેબ તથા ત્રિવેદી સાહેબ તરફથી રોમટિરિયલ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. જે પછી ઘરે ઉકાળો તૈયાર કરી, વિતરણ માટે લાવવામાં આવે છે.
હાલના સમયમાં વધી રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પ્રકોપ સામે લોકો રક્ષણ મેળવી શકે, તેવા ઉમદા હેતુથી આ ઉકાળા વિતરણ થઈ રહ્યું છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે તે માટે અપીલ કરવામાં આવી છે. ઉકાળા વિતરણ કાર્યક્રમના છેલ્લાં દિવસે વિનામૂલ્યે તુલસી છોડનું વિતરણ કરવામાં આવે છે.