ગીરમાં સિંહદર્શન માટે પહેલીવાર મહિલાઓ બની ટુરિસ્ટ ગાઇડ

ગીરમાં સિંહદર્શન માટે પહેલીવાર મહિલાઓ બની ટુરિસ્ટ ગાઇડ
દેવળીયા પાર્કમાં પ્રવાસી જિપ્સી

આ વર્ષે કુલ 50 ગાઇડની ભરતી કરવામાં આવી. જેમાં 25 સ્થાનિક મહિલાઓ છે. પહેલી વખત મહિલાઓની ગાઇડ તરીકે ભરતી કરવામાં આવી.

 • Share this:
  વિજયસિંહ પરમાર

  આ વખતે તમે જ્યારે દિવાળી વેકેશનમાં ગીર જગંલમાં સિંહ દર્શન માટે સાસણ પાસે આવેલા દેવળીયા પાર્કમાં જાવ ત્યારે ગાઇડ તરીકે મહિલાઓને જુઓ તો નવાઇ પામતા નહીં.  ગીરમાં પહેલી વખત ટુરિસ્ટ ગાઇડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી છે. ગીરનાં પ્રવાસન ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઇ છે. મહત્વની વાત એ છે કે, આ તમામ મહિલા ગાઇડ સ્થાનિક છે, સાસણ ગામની રહેવાસી છે. પ્રવાસનની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી મળે એ પ્રયાસનાં ભાગરૂપે મહિલાઓની ગાઇડ તરીકે ભરતી કરવામાં આવી છે.

  નાયબ વન સંરક્ષક (સાસણ-વન્યપ્રાણી વિભાગ), ડો. મોહન રામે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “સિંહ દર્શન માટે દેવળીયા પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે ગાઇડ તરીકે આ વર્ષે કુલ 50 ગાઇડની ભરતી કરવામાં આવી. જેમાં 25 સ્થાનિક મહિલાઓ છે. મહિલાઓની ગાઇડ તરીકે આ પહેલી વખત ભરતી કરવામાં આવી છે. અમારા માટે આ નવો અનુભવ છે પણ અમને મહિલા ગાઇડ તરફથી અને પ્રવાસીઓ તરફથી સારા પ્રતિભાવો મળી રહ્યાં છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, મહિલાઓનું સશક્તિકરણ થાય અને સ્થાનિક રીતે રોજગારી મળે.”
  સાસણ ખાતે સિંહ દર્શન માટે બે જગ્યાઓ છે. એક છે ગીર અભ્યારણ્યમાં ગીર ટુરિઝમ ઝોન કે જેમાં જંગલમાં પ્રવાસી જાય છે અને સિંહ દર્શન કરે છે અને બીજી જગ્યા છે દેવળીયા ઇન્ટરપ્રિટેશન ઝોન. દેવળીયા પાર્કમાં ટુરિસ્ટ બસ અને હવે ઓપન જિપ્સી દ્વારા સિંહ દર્શન થાય છે.  ડો. મોહન રામે જણાવ્યું કે, ગાઇડ તરીકેની ભરતી કરતા પહેલા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષામાં જે ઉતિર્ણ થયા તેમની ગાઇડ તરીકે ભરતી કરવામાં આવી હતી. આ પછી પસંદગી પામેલા ગાઇડ માટે પહેલા બે દિવસની અને પછી સાત દિવસની એમ બે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગાઇડ માટે જરૂર તાલીમ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાંથી નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા હતા. પ્રવાસન ક્ષેત્રે ગાઇડની શું ભૂમિકા હોય અને છે અને પ્રવાસીઓને એક ગાઇડ પાસે કેવા પ્રકારની માહિતી અને વર્તનની અપેક્ષો હોય છે તેનાથી તેમને માહિતગાર કરવામાં આવ્યા અને પ્રોફેશનલ ગાઇડ તરીકે તેઓ તૈયાર થાય તેની શરૂઆત કરી. 16 ઓક્ટોબરથી મહિલા ટુરિસ્ટ ગાઇડ તરીકે કામ કરી રહ્યાં છે. અને પ્રવાસીઓનાં પણ પ્રતિભાવો લઇએ છીએ. મહિલા ગાઇડ અને પ્રવાસીઓનાં અનુભવ સારા છે. આગામી દિવસોમાં પણ મહિલા ગાઇડ માટે જરૂર જણાય તેવી તાલીમનું આયોજન કરીશું.”

  દેવળીયા પાર્કમાં રોજ 70 જિપ્સી પ્રવાસીઓને લઇને અંદર જાય છે અને દરેક જિપ્સી સાથે એક ગાઇડ હોય છે. ગાઇડને એક વખતનાં 400 રૂપિયા મળે છે.
  સાસણ ગામનાં રહેવાસી અને મહિલા ગાઇડ તરીકે પસંદગી પામેલા નસીમ પાલાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે તેઓ આ કામથી ખુબ રાજી છે અને તેમને ઘેર-બેઠા રોજગારી મળી છે.  32 વર્ષનાં નસીમ પાલાનાં પતિ હુસેન પાલા મજુરી કરે છે અને તેમને બે સંતાનો છે. નસીમ સાત ધોરણ પાસ છે પણ નવું-નવું શીખવાનો તેમનો ઉત્સાહ ગજબ છે. તેમણે કહ્યું, “અમારા માટે આ એક નવી રોજગારીની તક છે. દિવસમાં ત્રણ કલાકમાં 400 રૂપિયા મળે છે. નવા-નવા લોકોને મળીએ છીએ. નવી ભાષા શીખીએ છીએ. સ્થાનિક રીતે રોજગારી હોવાથી અમે અમારા પરિવારનું પણ ધ્યાન રાખી શકીએ છીએ. હું થોડું-થોડું હિન્દી શીખી ગઇ છું પણ મારે તો અંગ્રેજી પણ શીખવું છે. જેથી પ્રવાસીઓ સાથે સરળતાથી વાત કરી શકાય”.

  "દેવળીયા પાર્કનાં પ્રયોગ પછીનાં અનુભવ પછી ગીર જંગલ (ટુરિઝમ ઝોન)માં પણ મહિલા ગાઇડની નિમણૂંક કરવાનો ઇરાદો છે." ડો. મોહન રામે વધુમાં જણાવ્યું હતું.

  સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહો માત્ર ગીર જંગલમાં જ જોવા મળે છે. 2015ની સિંહોની ગણતરી પ્રમાણે, ગીર જંગલ અને તેની આસપાસનાં વિસ્તારમાં 523 સિંહો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ગીર જંગલમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.
  First published:November 06, 2018, 12:50 pm