આપણી પરંપરા અનુસાર દશેરા (Dussera 2021) જેવા તહેવારોના દિવસે થતી સોના-ચાંદી, હોમ એપ્લાયન્સ અને વાહનોની ખરીદી ઉત્તમ માનવામાં આવે છે, ત્યારે જૂનાગઢ શહેરમાં ચાલુ વર્ષે દશેરાના દિવસે વાહનોની ખરીદીમાં થોડી ઝાંખપ જોવા મળી હતી. સામાન્ય વર્ષોની તુલનામાં આ વર્ષે દશેરાના દિવસે વાહનોની ખરીદી ઓછી થવા પામી હતી, તેવું સ્થાનિક વ્હિકલ શોરૂમ ધારકોએ જણાવ્યું હતું.
વિજયાદશમીના દિવસે સામાન્ય રીતે વાહનોની ધૂમ ખરીદી થતી હોય છે, પણ આ વર્ષે વાહનોની ખરીદીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે વાહનોની ખરીદીમાં સામાન્ય વર્ષોની સાપેક્ષે જરૂરથી ઘટાડો નોંધાયો છે. વિજયાદશમીના દિવસે વાહનોની ખરીદી કરવા આવેલાં ગ્રાહકોના ચહેરા પર ખુશી જોવા મળી, જ્યારે એજન્સી ધારકોને પડેલા ફટકાની સીધી અસર તેઓના ચહેરા પર જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ, સામાન્ય વર્ષોની તુલનામાં દશેરાના દિવસે થતી વાહનોની ખરીદીમાં 20% જેટલો ઘટાડો નોંધાયો છે. કોરોના કાળ પહેલાં દશેરાના દિવસે વાહનોનું જે વેંચાણ થતું એના 80% વેંચાણ જ ચાલુ વર્ષે શોરૂમ ધારકો કરી શક્યા છે. વેંચાણમાં થયેલ આ ધરખમ ઘટાડા પાછળનું કોઈ સચોટ કારણ જાણી શકાયું નથી! પરંતુ દિનપ્રતિદિન પેટ્રોલ-ડિઝલમાં વધી રહેલાં ભાવ અને જીવનજરૂરી બીજી ચીજવસ્તુઓમાં પણ વધતી જતી મોંઘવારી પણ જવાબદાર હોય શકે!
એટલું જ નહીં, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ઘણાં લોકો બેટરી સંચાલિત વાહનો ખરીદવા માટે પણ પ્રેરાયા છે. જેના કારણે પણ આ વર્ષે વાહનોની ખરીદીનું બજાર મંદુ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ત્યારે વિજયાદશમીના દિવસે જૂનાગઢના ટૂ-વ્હિલર એજન્સી ધારકોને વાહનોના વેંચાણનું પ્રમાણ ઓછું રહેતાં, મોટો ફટકો પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.