Home /News /kutchh-saurastra /ચાપરડા ખાતે આગામી 5મી ઓગસ્ટે યોજાશે જિલ્લા કક્ષાની દોડ સ્પર્ધા, જાણો વધુ વિગતો

ચાપરડા ખાતે આગામી 5મી ઓગસ્ટે યોજાશે જિલ્લા કક્ષાની દોડ સ્પર્ધા, જાણો વધુ વિગતો

ચાપરડા ખાતે આગામી 5મી ઓગસ્ટે યોજાશે જિલ્લા કક્ષાની દોડ સ્પર્ધા; જાણો વધુ વિગતો..

આ સ્પર્ધામાં તારીખ 31-7-2021 પહેલા જન્મેલા એટલે કે, 20 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓએ ભાગ લઇ શકશે. 

આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા જિલ્લાના શહેરો તેમજ ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે માટે, સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે પ્રયાસો થકી છેવાડાના ગામડામાં વસતા રમતવીરો અને તેમનામાં રહેલ હુન્નરને પ્રોત્સાહન આપી અને તેને આગળ લઈ જઈ શકાય છે.  આ અનુસંધાને આગામી તા.05 ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન થવાનું છે. આ સ્પર્ધા જૂનાગઢ નજીક આવેલ ચાપરડા મુકામે યોજાવાની છે, જેમાં સિનિયર ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કક્ષાની દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લામાં રમતની સિનિયર ભાઈઓ-બહેનો માટે 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર અને 1500 મીટર દોડ સ્પર્ધાનું આગામી તારીખ 5મી ઓગસ્ટના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય, ચાપરડા, વિસાવદર જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જૂનાગઢ જિલ્લાના સિનિયર ખેલાડીઓ પોતાના ઓરિજિનલ આધારકાર્ડ અને તેની એક ઝેરોક્ષ સાથે 8 કલાકે સ્પર્ધા સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં તારીખ 31-7-2021 પહેલા જન્મેલા એટલે કે, 20 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓએ ભાગ લઇ શકશે.

વધુમાં જણાવવાનું કે, જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર ખેલાડીની રાજ્ય કક્ષા સ્પર્ધા માટે પસંદગી થશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા રમત સંકુલ-હિંમતનગર મુકામે યોજાવાની છે. જે અંતર્ગત બહેનો માટે આગામી તારીખ 7 ઓગસ્ટ, 2021 તેમજ ભાઈઓ માટે તારીખ 9 ઓગસ્ટ, 2021 ના રોજ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા યોજાનાર આ જિલ્લા કક્ષાની દોડ સ્પર્ધા વિશેની વધુ માહિતી જાણવા માટે નીચે આપેલ વિગતોનો સંપર્ક કરવા જણાવ્યું છે. સરનામું: સીનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ-જૂનાગઢસંપર્ક: 91060 39846
First published:

Tags: Competition, Running